વડોદરાના કમાટીબાગમાં ગ્લો ગાર્ડનની કામગીરી પૂર્ણ થવાની તૈયારીમાં : જિરાફ, હરણ અને ઝીબ્રાના સ્ટેચ્યુ ઉભા કરી દેવાયા
Vadodara Kamtibaug Zoo : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ઐતિહાસિક કમાટીબાગમાં 1.80 કરોડના ખર્ચે ડેવલપમેન્ટના વિવિધ કામ હાથ ધરાયા છે. જેમાં મુલાકાતીઓના આકર્ષણમાં વધારો કરવા માટે ગ્લો ગાર્ડનનું કામ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે.
કમાટીબાગમાં બેન્ડ સ્ટેન્ડના ભાગે આ ગ્લો ગાર્ડન બનાવાયો છે. જે અંદાજે 35 ફૂટ લંબાઈ અને 10 ફૂટની પહોળાઈ ધરાવે છે. કર્વેચર જેવા પટ્ટામાં આ ગ્લો ગાર્ડનમાં આર્ટિફિશિયલ કોકોનટ ટ્રી, મેપલ ટ્રી મૂકવામાં છે જે રાત્રે આકર્ષક રંગીન લાઇટિંગથી ઝગમગી ઊઠે છે. ગ્લો ગાર્ડન કમાટીબાગમાં આવતા સહેલાણીઓ માટે સેલ્ફી પોઇન્ટ બની જશે. આ સ્થળે ફાઇબરના આર્ટિફિશિયલ અને આકર્ષક જિરાફ, હરણ, ઝીબ્રાના જે સ્ટેચ્યુ લાવવામાં આવ્યા છે તે મૂકવામાં આવ્યા છે. જેના લીધે ગાર્ડન વધુ આકર્ષક દેખાય છે. ગ્લો ગાર્ડન થી રાત્રિનું દ્રશ્ય મુલાકાતિઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત ગાર્ડનમાં પુનાથી હાથી અને ડાયનોસોર મંગાવવામાં આવ્યા હતા જે ગોઠવી દેવામાં આવ્યા છે, હાલમાં વેકેશનની સિઝનમાં કમાટીબાગમાં મુલાકાતિઓનો ધસારો સારો એવો છે અને તેઓ આ હાથી અને ડાયનાસોર પાસે ઊભા રહીને સેલ્ફી પણ ખેંચી રહ્યા છે. ખાસ તો બાળકોને વધુ મજા આવે છે, કારણ કે આ બંનેના સ્ટેચ્યુ મુવેબલ છે. 113 એકરમાં પથરાયેલા આ 145 વર્ષ જૂના કમાટીબાગમાં આવેલા પ્રાણીસંગ્રહાલયમાં પણ આકર્ષણ વધારવામાં આવ્યા છે.