વડોદરા: ચોમાસુ નથી છતાં પણ કાશી વિશ્વનાથ મંદિર પાસેનું સિધ્ધનાથ તળાવ છલોછલ ભરેલું છે
- તળાવમાં ગટરનું પાણી સતત ઠલવાતું રહે છે
- વર્ષો જૂની આ સમસ્યાનો તંત્ર ઉકેલ લાવી શકતું નથી
- તળાવમાં ગટરના પાણીને લીધે ગંદકી અને જંગલી વનસ્પતિનો ઉપદ્રવ
- મગરનો પણ ત્રાસ, આંદોલનની ચીમકી
વડોદરા,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરના વિવિધ તળાવનું બ્યુટીફીકેશન કરવામાં આવેલું છે, અને એ પછી તળાવની હાલત ખરાબ બની રહી છે. કારણ કે તળાવમાં ગટરનું પાણી છોડવામાં આવતું હોવાથી તેમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. શહેરની મધ્યમાં વોર્ડ નંબર 13 માં ઐતિહાસિક સિધ્ધનાથ તળાવ બ્યુટીફિકેશન પછી ગંદકીથી ગટરના પાણીને લીધે ખદ બદે છે. આ જ વોર્ડમાં કાશી વિશ્વનાથ તળાવ અને લાલબાગ તળાવની હાલત પણ બદતર છે. કાશી વિશ્વનાથ તળાવના કિનારે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે, જ્યાં દર્શનાર્થે આવતા ભક્તો બાજુમાં જ ગટરના પાણીથી ભરાયેલા તળાવ થી પરેશાન છે. હાલ ચોમાસુ નથી છતાં પણ કાશી વિશ્વનાથ તળાવ છલોછલ ભરેલું છે. તેનું કારણ એ કે અહીં ગટરનું પાણી સતત ઠલવાતું રહે છે. આ વિસ્તારમાં ત્રણ વરસાદી કાસ છે. જેમાં ખરેખર તો ચોમાસા દરમિયાન વરસાદનું પાણી જ વહેવું જોઈએ અને આ પાણીનો સીધો નદીમાં નિકાલ થવો જોઈએ, પરંતુ કોર્પોરેશનના તંત્ર દ્વારા જ વરસાદી કાંસમાં ગટરના જોડાણ કરી દેવામાં આવ્યા છે. જેના લીધે વરસાદી કાસ તળાવ સાથે જોડાયેલું હોવાથી પાણી આવતું રહે છે. પોલો ગ્રાઉન્ડ થી નવજીવન થઈ કાશી વિશ્વનાથ સુધી તેમજ એસઆરપી થી નવાપુરા થઈ લાલબાગ અને લાલબાગ કુંભારવાડા થી જવાહર થઈ અન્ય સોસાયટીનું પાણી તળાવમાં આવતું રહે છે. કાશી વિશ્વનાથ તળાવ ભરેલું હોવાથી તેમાં મગરનો પણ ત્રાસ છે.
તળાવ કિનારે કચરાના ઢગલા હોવાના કારણે તેમજ તળાવમાં સફાઈ કર્યા બાદ કચરો તળાવના કિનારે જ રાખવાથી ગંદકી સતત ફેલાતી રહે છે. આ તળાવની આસપાસ 1500 થી 2000 કુટુંબો વસે છે. કાશી વિશ્વનાથ સોસાયટી, રાજસ્થંભ સોસાયટી, રાજરત્ન સોસાયટી, ધાયબર કોલોની તથા એસઆરપી ક્વાર્ટર આ બધા લોકો ગંદકીના લીધે પરેશાન છે. સાંજ પડે એટલે આ તળાવને લીધે મચ્છરોનો ત્રાસ વકરે છે. વર્ષોથી કોર્પોરેશનની સભાઓમાં રજૂઆતો થતી રહી છે, અને લોકો પણ કોર્પોરેશન ઓફિસે આવીને આ સમસ્યા હલ કરવા માંગણી કરતા રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ ડ્રેનેજના કનેક્શનનો બંધ કરીને આ તળાવને ગંદકીથી મુક્ત કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.