Get The App

સગીર વિદ્યાર્થીની પાછળ પડેલા રોમિયોએ કહ્યું, હું સ્કૂલમાં આવી બૂમો પાડીશ,એસિડ નાંખીશ

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
સગીર વિદ્યાર્થીની પાછળ પડેલા રોમિયોએ કહ્યું, હું સ્કૂલમાં આવી બૂમો પાડીશ,એસિડ નાંખીશ 1 - image

વડોદરા,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર

વડોદરાની એક સ્કૂલમાં ભણતી સગીર વિદ્યાર્થીની સાથે ગરબામાં પરિચય થયા બાદ એક તરફી પ્રેમમાં પડેલા રોમિયોએ ધાક ધમકી આપવા માંડતા પોલીસે કાર્યવાહી કરી છે.

સગીર વિદ્યાર્થીની ગરબા રમવા જતી હતી ત્યારે એક યુવક સાથે પરિચય થયો હતો. આ યુવકે સગીર વિદ્યાર્થીનીની બહેનપણી પાસે તેનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો અને ત્યારબાદ ફોન કરવા માંડ્યો હતો.

શરૂઆતમાં સગીરાએ વાતચીત કરી હતી, પરંતુ રોમિયોની દાનત સારી નહીં લાગતા તેણે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી રોમિયોએ તેને રસ્તામાં રોકી પજવવા માંડી હતી. રોમિયોએ એવી પણ ધમકી આપી હતી કે,જો તું મારી સાથે વાત નહીં કરે અને બીજા કોઈ યુવક સાથે વાત કરીશ તો હું સ્કૂલમાં આવીને બુમરાણ મચાવીશ.

આમ છતાં સગીરાએ તેને રિસ્પોન્સ નહીં આપતાં રોમિયોએ તેને એસિડ નાખવાની ધમકી આપી હતી. જેથી સગીરાએ માતા-પિતાને જાણ કરી હતી. સગીરાના માતા પિતાએ રોમિયોને સમજાવતા તે વધુ ઉશ્કેરાયો હતો અને સગીરાને ઘેર આવી તમાશા કરવા માંડ્યો હતો.

રોમિયોએ લગ્ન કરવાની જીદ કરતા સગીરાના માતા પિતાએ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમ પોલીસ સાથે આવી જતા રોમિયો તેના મિત્રો સાથે કારમાં ભાગ્યો હતો જેથી તેનો પીછો કરી પોલીસ ઘર સુધી પહોંચી હતી. રોમિયો અને તેની માતાનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને માતાએ પણ તેના પુત્રની હરકતોથી થાકી ગઈ હોવાનું જણાવ્યું હતું. જેથી રોમિયોને પાઠ ભણાવવા બાપોદ પોલીસને સોંપવાની તજવીજ કરવામાં આવી હતી.


Google NewsGoogle News