વડોદરા : ટીપી 10 મંજૂર થતા ગોરવા વિસ્તારમાં 8.14 કરોડના ખર્ચે રોડ બનશે
- શહેરી સડક યોજના હેઠળ વર્ષ 2021- 22 માં 22.68 કરોડની ફાળવણી
વડોદરા,તા.24 સપ્ટેમ્બર 2022,શનિવાર
ગુજરાત સરકારે તાજેતરમાં વડોદરાની ટીપી 10ને મંજૂરી આપી હતી .આ ટીપી 10 મંજૂર થવાથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં 8.14 કરોડના ખર્ચે 24 મીટરના બાકી રહેલા રોડના કામને કોર્પોરેશનની સ્થાયી સમિતિએ મંજૂરી આપતા આ વિસ્તારના રહીશોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે .ટીપી 10 કે જેમાં કોર્પોરેશનનો પશ્ચિમ વિસ્તાર આવે છે, તેમાં ગોરવા આઈટીઆઈથી સુર્યા સોસાયટી, સપનાના વાવેતર હોલ, અશ્વમેઘ અને લોટસ પ્લાઝા તરફના 24 મીટરનો બાકી રહેલો રોડ ફૂટપાથ સહિત વોલ ટુ વોલ બનાવવા 8.14 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ટીપી 10ની સાથે સાથે ટીપી 8નો જેમાં રોડ કહેવાય છે, તેમાં કિશન કોમ્પ્લેક્સથી વુડા ચોકડી અને લક્ષ્મીપુરા સ્મશાનને જોડતો રસ્તો પણ મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો છે.
આ વિસ્તારના રહીશોના કહેવા મુજબ પ્રાથમિક સુવિધા પૈકી રોડનું કામ ટીપી 10 ની મંજૂરીના વાંકે અટક્યું હતું, જે પાસ થતાં અહીંના લોકોને હવે રોડની સુવિધા મળશે. શહેરી સડક યોજના હેઠળ નવા રસ્તા બનાવવા તેમજ અસ્તિત્વમાં હોય તેવા રસ્તાને રી-સરફેસ કરવા માટે વર્ષ 2021- 22 પેટે 22.68 કરોડની ફાળવણી સામે 28.03 કરોડ પેટે 80 કામોનો સમાવેશ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે.