વડોદરા રેસિડેન્ટ-ઇન્ટર્ન ડોક્ટરોનું સ્ટાયપન્ડ નહીં વધારાતા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
Vadodara Doctor Protest : મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ અને રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટરો અને ઇન્ટર્ન ડોક્ટરો સહિત હજારો ડોક્ટરોએ સ્ટાયપન્ડ નિયત સમયે નહીં વધારાતા દર્દીઓને કોઈ હાલાકી ન સર્જાય એવી રીતે રાજ્ય સરકારનું ધ્યાન દોરવાના ઇરાદે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવવાનું શરૂ કર્યું છે. સંવેદનશીલ સરકાર ડોક્ટરોની માંગ પ્રત્યે સહાનુભૂતિ દાખવશે એવી આશા આવા ડોક્ટરો દ્વારા વ્યક્ત કરાઈ છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ અને રાજ્યની અનેક સરકારી હોસ્પિટલના પ્રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો દર્દીઓની સેવા સુશ્રુષામાં 365 દિવસ 24 કલાક સતત ખડે પગે હોય છે. સરકારના પરિપત્ર મુજબ પ્રતિ ત્રણ વર્ષે ઇન્ટર્ન ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરોનું સ્ટાયપન્ડ વધારવું એવો નિયમ છે. પરંતુ હાલમાં ચાર વર્ષ પુરા થવા છતાં આવા ડોક્ટરોનું સ્ટાયપન્ડ વધ્યું નથી. જેથી રેસીડન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોમાં કચવાટ સાથે રોષ ફેલાયો છે.
સયાજી હોસ્પિટલના 500 રેસીડન્ટ અને 250 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો છે. આ સાથે રાજ્યમાં આવા હજારો ડોક્ટરો છે. આ તમામ ડોક્ટરોએ દર્દીઓને મુશ્કેલી ન પડે એવી રીતે સંવેદનશીલ સરકાર સમક્ષ પ્રાથમિક તબક્કે કાળી પટ્ટી ધારણ કરીને પોતાની વાત પહોંચાડવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે જીઆર મુજબ પ્રતિ ત્રણ વર્ષે આવા ડોક્ટરોના સ્ટાયપન્ડમાં 40 ટકાના વધારાનો ઉલ્લેખ છે. પરંતુ છેલ્લે 2021માં વધારો થયો હતો. ત્યારબાદ હાલ ચાર વર્ષનો સમય થવા છતાં સ્ટાયપન્ડમાં વધારો થયો નથી. રેસીડન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ પોતાની નૈતિક જવાબદારી સમજીને પ્રાથમિક તબક્કે દર્દીને કોઈ અગવડ ન પડે એવી રીતે કાળી પટ્ટી ધારણ કરીને સરકારને પોતાની માંગ પહોંચાડવા પ્રયાસ કર્યો છે. ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ સંવેદનશીલ સરકાર છે અને અગાઉ ચાર-પાંચ વખત અમારી જુદી જુદી માંગો અંગે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું. જેથી આશા છે કે સ્ટાયપન્ડની બાબત પણ જરૂર સાંભળશે. અનેક રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોના પરિવારના ઘર તેમના સ્ટાયપન્ડ પર જ ચાલતા હોય છે. હાલમાં જે રીતે મોંઘવારી વધી રહી છે તેથી સરકારે આ બાબતે વહેલી તકે હકારાત્મક વલણ દાખવવું જોઈએ. આ દરમિયાન આવા ડોક્ટરોનો સ્ટાયપન્ડએ મૂળભૂત અધિકાર છે અને સયાજી હોસ્પિટલના 750 સહિત રાજ્યના હજારો રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો પ્રત્યે સરકાર જરૂરથી સહાનુભૂતિ દાખવે એ જરૂરી છે. આગામી દિવસોમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આવા ડોક્ટરો અન્ય પગલા વિશે વિચારણા કરશે તેમ ડો.ચિંતન સોલંકીએ જણાવ્યું છે.