વડોદરા થી અયોધ્યા પદયાત્રા કરીને નીકળેલા રામભક્ત પદયાત્રીઓ 850 કિ.મીનું અંતર કાપી મધ્યપ્રદેશના ઓરછા ધામ પહોંચ્યા
- ઓરછા ધામ છોટી અયોધ્યા તરીકે ઓળખાય છે
- પાંચમાંથી એક પદયાત્રીને પગમાં તકલીફ થતા વડોદરા પરત ફર્યા
વડોદરા,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર
વડોદરાના રામ ભક્ત પદયાત્રીઓ તારીખ 1 જાન્યુઆરીની સવારે અયોધ્યા ચાલતા જવા રવાના થયા હતા. જેઓ 21 દિવસની પદયાત્રા દરમિયાન 850 કિ.મીનું અંતર કાપીને મધ્યપ્રદેશ નીવાડી જિલ્લાના ઓરછા પહોંચી ગયા છે. ઓરછા છોટી અયોધ્યા તરીકે ઓળખાય છે. ગજાનંદ સાઈ સમર્થ પદયાત્રા સંઘ-તરસાલીના નેજા હેઠળ નીકળેલા આ રામ ભક્તો રોજનું આશરે 45 કિલોમીટર ચાલે છે. ઓરછા થી અયોધ્યા હજુ 450 કીમી દૂર છે ,અને ત્યાં પહોંચતા લગભગ દસેક દિવસ થશે. અયોધ્યા પહોંચીને, રામલલ્લાના દર્શન કરશે. આ પદયાત્રામાં પંકજ પાટીલ, વિષ્ણુ પંચાલ, હરીશ સોલંકી, ખોડા તડવી અને વિજય મહારાજ જોડાયા હતા. જોકે હરીશ સોલંકીને ઉજ્જૈન મહાકાલ થી મક્ષી રોડ 35 કિલોમીટરનું અંતર કાપતી વખતે ડાબા પગના ઘૂંટણમાં ગાદીની તકલીફ થતા ત્યાંથી ન છૂટકે વડોદરા પરત ફરવું પડ્યું છે. બાકીના ચાર પદયાત્રીઓ 21 તારીખે સાંજે નીવાડી આવી પહોંચ્યા હતા. તારીખ 22 ના રોજ શ્રી રામ પ્રભુ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવાની સાથે સાથે ત્યાં બિરાજમાન શ્રી રામ રાજા સરકારના દર્શન કરી 23 તારીખે સવારે અયોધ્યા તરફ પ્રયાણ કરશે.