Get The App

વડોદરાના અધ્યાપકે શ્રીલંકાના વિદ્યાર્થીઓને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા થકી અભિનયના પાઠ ભણાવ્યા

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
વડોદરાના અધ્યાપકે શ્રીલંકાના વિદ્યાર્થીઓને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા થકી અભિનયના પાઠ ભણાવ્યા 1 - image


વડોદરા, તા. 11 જાન્યુઆરી 2024 ગુરુવાર

એમ.એસ.યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના ડ્રામા વિભાગના અધ્યાપક દર્શન પુરોહિતે શ્રીલંકામાં વિદ્યાર્થીઓને રિસોર્સ પર્સન તરીકે અભિનયની તાલીમ આપી છે.

દર્શન પુરોહિતને શ્રીલંકા ઈન્ડિયા ફાઉન્ડેશન, હાઈ કમિશન ઓફ ઈન્ડિયા તેમજ શ્રીલંકાની યુનિવર્સિટી ઓફ કોલંબો દ્વારા આ માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.યુનિવર્સિટીના શ્રી પલ્લી કેમ્પસ ખાતે તા.29 ડિસેમ્બરથી તા.8 જાન્યુઆરી દરમિયાન આ વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

વડોદરાના અધ્યાપકે શ્રીલંકાના વિદ્યાર્થીઓને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા થકી અભિનયના પાઠ ભણાવ્યા 2 - image

દર્શન પુરોહિતનુ કહેવુ છે કે, વર્કશોપનો મુખ્ય વિષય ફિઝિકલ થિયેટર..હતો.જેમાં સંવાદો કરતા ચહેરા તેમજ શરીરના હાવભાવ દ્વારા કોઈ પણ વાતની પ્રસ્તુતિ પર વધારે ભાર મુકવામાં આવે છે.વિદ્યાર્થીઓને આ વાતની સમજ આપવા માટે અમે રવિન્દ્રનાથ ટાગોરે લખેલી વાર્તા શોભાની નાટક સ્વરુપે પ્રસ્તુતિ કરી હતી.

વડોદરાના અધ્યાપકે શ્રીલંકાના વિદ્યાર્થીઓને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા થકી અભિનયના પાઠ ભણાવ્યા 3 - image

તેમના કહેવા અનુસાર આ વાર્તા એક એવી મૂક બાળકી શોભા પર આધારિત છે જે પ્રકૃતિને ઘણો પ્રેમ કરે છે પણ બોલી શકતી નથી.તેને સમાજ દ્વારા પણ હડધૂત કરવામાં આવે છે.તેની લાગણીને તેના પિતા તેમજ તેના ગામનો યુવાન પ્રતાપ જ સમજી શકે છે.આ વાર્તા થકી રવિન્દ્રનાથ ટાગોરે એક સ્ત્રીની એકલતાનુ બખૂબી પૂર્વક વર્ણન કર્યુ છે.મૂળ વાર્તાનુ બેકગ્રાઉન્ડ બંગાળી છે પણ શ્રીલંકાના લોકો તેની સાથે જોડાઈ શકે તે માટે તેને અમે સ્થાનિક સિંહાલી ભાષામાં રજૂ કર્યુ હતુ અને તેમાં શ્રીલંકાની સંસ્કૃતિ તેમજ રીતિ રિવાજો આધારિત ફેરફારો કર્યા હતા.

વડોદરાના અધ્યાપકે શ્રીલંકાના વિદ્યાર્થીઓને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા થકી અભિનયના પાઠ ભણાવ્યા 4 - image

દર્શન પુરોહિતના જણાવ્યા પ્રમાણે પરંપરાગત સ્ટેજ પર આ નાટક રજૂ કરવાની જગ્યાએ અમે કેમ્પસના પ્રાકૃતિક વાતાવરણમાં ભજવવાનુ પસંદ કર્યુ હતુ.વર્કશોપમાં કોલંબો યુનિવર્સિટીના પરફોર્મિંગ આર્ટસ વિભાગના 50 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા.

જ્યાં આ વર્કશોપનુ આયોજન થયુ હતુ તે યુનિવર્સિટીના શ્રી પલ્લી કેમ્પસની સ્થાપના શ્રીલંકાના જાણીતા દાનવીર વિલમોટ પરેરાએ કરી છે.જેઓ પોતે રવિન્દ્રનાથ ટાગોરના વિદ્યાર્થી રહી ચુકયા છે.


Google NewsGoogle News