વડોદરામાં કાલે રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સની વડોદરા પોલીસ દ્વારા તૈયારીઓ શરૃ
સૌ પ્રથમ વખત અમદાવાદની જગ્યાએ વડોદરામાં કોન્ફરન્સ : વડોદરાના ઝોન - ૧ માં ખૂનના કેસમાં વધારો : કુલ ગુનાઓમાં ઘટાડો
સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સ્થાનિક અધિકારીઓ સાથે મિટિંગ યોજાઇ
વડોદરા,વડોદરામાં પહેલી વખત રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા રેન્જ આઇ.જી.ની ક્રાઇમ કોન્ફરન્સ આગામી ૨૪ મી તારીખે રાજ્યના પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાશે. તે માટે વડોદરા પોલીસ દ્વારા તૈયારીઓ શરૃ કરવામાં આવી છે. વડોદરામાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ક્રાઇમ રેટમાં ઘટાડો થયો છે. માત્ર એક ઝોનમાં ખૂનના કેસમાં વધારો થયો છે. બાકી તમામ ગુનાઓ પર નજર કરાય તો ઘટાડો થયો છે.
રાજ્યમાં થતા ગુનાઓની સમીક્ષા કરવા માટે દર મહિને રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં અમદાવાદ અને ગાંધીનગર ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં ક્રાઇમ અંગે દરેક શહેરના પોલીસ કમિશનર તથા જિલ્લાના આઇ.જી. ઉપસ્થિત રહેતા હોય છે. ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ક્રાઇમ રેટ ઘણો ઓછો છે. આ ક્રાઇમ રેટમાં પણ કઇ રીતે ઘટાડો શક્ય છે. તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. રાજ્યના પોલીસ વડા દ્વારા હવે ક્રાઇમ કોન્ફરન્સમાં બદલાવ લાવવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા ઓગસ્ટ મહિનાની ક્રાઇમ કોન્ફરન્સ સૌ પ્રથમ વખત અમદાવાદની જગ્યાએ વડોદરામાં યોજવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક મોટા શહેરમાં વારાફરતી ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવશે.
વડોદરા પોલીસ ભવન ખાતે યોજાનારી ક્રાઇમ કોન્ફરન્સને લઇને પોલીસ કમિશનર દ્વારા શહેરના તમામ પોલીસ અધિકારીઓ સાથે મિટિંગ શરૃ કરવામાં આવી છે. આગામી ક્રાઇમ કોન્ફરન્સને અનુલક્ષીને હાલમાં પોલીસ ભવન ખાતે કોન્ફરન્સ રૃમનું રિનોવેશન ચાલતું હોઇ આજે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં દરેક તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. શહેરના ચાર ઝોનમાં દાખલ થયેલા ગુનાઓના આંકડા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં ક્રાઇમ રેટમાં કોઇ વધારો થયો નથી. પરંતુ, ઉત્તર - પશ્ચિમ ઝોનમાં ગયા વર્ષની સરખામણીમાં મર્ડરના કેસ વધારે નોંધાયા છે. જોકે, તેમાં પોલીસની કોઇ બેદરકારી નથી. પરંતુ, પ્રેમ સંબંધ અને નજીકના સગાઓ વચ્ચેની માથાકૂટના કારણે હત્યાની ઘટના બની હતી. આ રીતે દરેક પ્રકારના ગુનાઓ અંગેની સમીક્ષા કરવામાં આવી છે.
એક મહિનામાં છ કરોડ રૃપિયા નાગરિકોને પરત અપાવતી પોલીસ
ગુનાઓની બદલાતી પેટર્ન : ઓનલાઇન ફ્રોડના ગુનાઓનું પ્રમાણ વધ્યું છે
વડોદરા,ક્રાઇમ કોન્ફરન્સમાં ગુનાઓની બદલાતી પેટર્ન અંગે પણ ચર્ચા થશે. આઇ.ટી. ક્ષેત્રમાં આવેલી ક્રાંતિના કારણે સાયબર ક્રાઇમ ફ્રોડના ગુનામાં પણ વધારો થયો છે. હાલમાં શરીર સંબંધી ગુના કરતા સાયબર ક્રાઇમના ગુનામાં ખાસો વધારો થયો છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની કાર્ય ક્ષમતા કઇ રીતે વધારી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તેવું જાણવા મળ્યું છે. અગાઉ ખૂન, મારામારી જેવા ગુનામાં વધારો હતો. પણ હવે આર્થિક ગુનાઓ અને તેમાં પણ ઓન લાઇન ફ્રોડના કેસ વધી રહ્યા છે. સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે કયા પગલા લેવાય તે અંગે પણ ચર્ચા થશે.
વડોદરા શહેરના સાયબર ક્રાઇમના ગુનાઓ પર નજર કરવામાં આવે તો ગયા ઓગસ્ટ મહિનામાં રૃપિયા ગુમાવનાર નાગરિકોને અંદાજે ૬ કરોડની રકમ પરત અપાવવામાં શહેર પોલીસને સફળતા મળી છે. ઓન લાઇન ફ્રોડના કિસ્સામાં આરોપીઓના બેન્ક એકાઉન્ટ ફ્રિઝ કરીને રૃપિયા પરત અપાવવામાં પોલીસ સફળ રહી છે.
છેલ્લા ત્રણ વર્ષના ગુનાઓના આંકડા પણ ધ્યાને લેવામાં આવશે
વડોદરા,રાજ્ય કક્ષાની યોજાતી ક્રાઇમ કોન્ફરન્સમાં ગુનાઓના આંકડાનું મૂલ્યાંકન ત્રણ વિભાગમાં કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણી, ગયા વર્ષના ચાલુ મહિના અને આ વર્ષના ચાલુ મહિનાના ગુનાઓનું સરવૈયુ તથા આ વર્ષના અત્યારસુધીના કુલ ગુનાઓની સરખામણી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને સમાજને લગતા ગુનાઓ જેવા કે, એન.ડી.પી.એસ. ની પ્રવૃત્તિ અટકાવવા થતા અવેરનેસ કાર્યક્રમોને પણ ધ્યાને લેવામાં આવે છે. ગુનાઓનું પ્રમાણ અને તેની સામે થતા ડિટેક્શનના આંકડા અંગે પણ ચર્ચા કરવામાં આવે છે
ગણેશોત્સવના કારણે ઓગસ્ટ મહિનાની કોન્ફરન્સ સપ્ટેમ્બરમાં યોજાશે
વડોદરા, આ વર્ષે શ્રીરામ શોભાયાત્રા, રથ યાત્રા, તાજિયા, ગણેશોત્સવના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાયા છે. આ અંગે પોલીસ દ્વારા શરૃઆતથી જ આયોજકો તેમજ વિસ્તારમાં જઇને શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ માથાભારે અને અશાંતિ કરે તેવા તત્વો પર ખાસ નજર રાખવામાં આવી હતી. ગણેશોત્સવના કારણે ઓગસ્ટ મહિનાની ક્રાઇમ કોન્ફરન્સ સપ્ટેમ્બર મહિનામાં યોજાશે. રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સની જેમ શહેર કક્ષાએ પણ દર મહિને કોન્ફરન્સ યોજાતી હોય છે. જેમાં પેન્ડિંગ અરજીઓ અને અનડિટેક્ટ ગુનાઓની ચર્ચા કરવામાં આવતી હોય છે.
ટ્રાફિકને લગતા પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવશે
વડોદરા,વર્ષ ૧૯૮૧ માં વડોદરા શહેર પોલીસ કમિશનરેટ બન્યું હતું. વડોદરાના સૌ પ્રથમ પોલીસ કમિશનર આર.સિબ્બલ હતા. હાલમાં પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળનાર નરસિમ્હા કોમાર વડોદરાના ૨૬ મા પોલીસ કમિશનર છે. વડોદરામાં ગુનાખોરી ઉપરાંત માર્ગ અકસ્માતના કેસો અંગે પણ ક્રાઇમ કોન્ફરન્સમાં ચર્ચા થશે. ટ્રાફિકની ગીચતા અને ટ્રાફિક જામની પરિસ્થિતિ ઘટાડવા માટે પણ ચર્ચા કરવામાં આવશે.