બોયફ્રેન્ડે ફસાવી છે,બસમાં આપઘાત કરવા નીકળી છું..નાસીપાસ યુવતીને વડોદરા પોલીસે બચાવી
વડોદરાઃ વડોદરા પોલીસ કંટ્રોલ રૃમની સતર્કતાને કારણે બોયફ્રેન્ડે વિશ્વાસઘાત કરતાં આપઘાત કરવા નીકળેલી મહિલાનો જીવ બચી ગયો હતો.
વડોદરા પોલીસ કંટ્રોલરૃમને આજે બપોરે ૩.૪૧ વાગે એક યુવતીએ ફોન કરી મને બોય ફ્રેન્ડે ફસાવી છે,મને હવે સાથે લઇ જતો નથી અને તેના માતા-પિતાએ પણ તેને ઘરમાંથી કાઢી મૂક્યો છે.હું વડોદરાથી બસમાં આપઘાત કરવા જઇ રહી છું.
યુવતીએ ફોન કટ કરતાં કંટ્રોલરૃમના એએસઆઇ હિતેષ વ્યાસ અને ટીમે વારંવાર યુવતીને ફોન કર્યા હતા.આખરે એક વાર તેણે ફોન ઉપાડી લેતાં પોલીસે તેને સમજાવી હતી અને પોલીસ તમામ રીતે મદદ કરવા તૈયાર છે તેમ કહી કંડક્ટર સાથે વાત કરવા કહ્યું હતું.
યુવતીએ કંડક્ટરને ફોન આપતાં પોલીસે કંડક્ટર પાસે તેનો મોબાઇલ નંબર અને બસની માહિતી લીધી હતી.નિઝરથી દહેગામ જતી બસ આણંદની આગળ પહોંચી હોવાથી કંટ્રોલ રૃમના એસીપી એ એમ સૈયદે અમદાવાદ પોલીસને જાણ કરી માહિતી આપતાં સીટીએમ પાસે પોલીસે બસને આંતરી યુવતીને શોધી કાઢી હતી અને તેને રામોલ પોલીસ સ્ટેશને લઇ જઇ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.