વડોદરામાં તરસાલી શાકમાર્કેટ પાસે બુટલેગરના અડ્ડા પર પોલીસની રેડ : સવા બે લાખનો દારૂ કબજે
image : Freepik
Liquor Crime Vadodara : વડોદરા પીસીબી પોલીસને માહિતી મળી હતી કે લીસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર શંભુ વિદેશી દારૂનો ધંધો કરે છે. તેણે સાઈનાથ કોમ્પ્લેક્સ વુડાના મકાનમાં ડિમ્પલબેન તથા ભૂમિકાબેનના ઘરે દારૂનો જથ્થો ઉતાર્યો છે. તેમજ જમીનમાં ખાડાઓ કરી દારૂ છુપાવી રાખ્યો છે અને બુટલેગર ધર્મેન્દ્રના માણસો રાહુલ, અમિત તથા બાદલ દારૂની ડીટેવરી કરવા જાય છે. ધર્મેન્દ્ર હોલસેલમાં પણ દારૂનું વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી. જેથી પીસીબી પોલીસ મકરપુરા પોલીસ સ્ટેશનની સી ટીમનો સંપર્ક કરી તરસાલી શાક માર્કેટ પાસે બોલાવ્યા હતા. પોલીસી ડિમ્પલબેન રાહુલભાઈ વાદી તથા હંસાબેન ઉર્ફે ભૂમિકા ડાયાભાઈ વાદીના ઘરે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ બ્લોક નંબર બે ની પાછળ પતરાના છાપરાની નીચે સંતાડેલો દારૂ પણ પોલીસે કબજે કર્યો હતો. પોલીસે વ્હીસ્કી, વોડકા, બિયરનો જથ્થો કબજે કર્યો હતો.
ડિમ્પલબેને પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ માસથી આ મકાનમાં રહીએ છીએ અને મકાન ખુલ્લું હોય ધર્મેન્દ્ર શંભુના કહેવાથી અમે રહેતા હતા. આ દારૂ સાચવવા માટે ધર્મેન્દ્ર અમને રોજના રૂ.1,000 આપે છે. સવારે ધર્મેન્દ્રના માણસો રાહુલ, અમિત તથા બાદલ દારૂ મૂકી ગયા હતા અને જરૂર પડે તેમ લઈ જતા હતા. જ્યારે ભૂમિકાબેન પોલીસને જણાવ્યું હતું કે આ મકાન ધર્મેન્દ્રનું છે તેનો ફોન આવે તો તેના જણાવેલા ગ્રાહકને હું દારૂની બોટલો આપું છું
પોલીસે દારૂની 961 બોટલ કિંમત રૂપિયા 2.19 લાખ તથા 18 ટીન મળી કુલ રૂ.2,20,000 નો દારૂનો જથ્થો કબજે કર્યો છે. જ્યારે બુટલેગર ધર્મેન્દ્ર શંભુ કનીજા તથા તેના માણસોને વોન્ટેડ જાહેર કર્યા છે.