રીઢાચોરો પર વડોદરા પોલીસનો સંકજો, ગોરવા વિસ્તારમાં ચોરી કરનાર બે ચોરો ઝડપાયા
Vadodara Theft Case : વડોદરાના ગોરવા વિસ્તારમાં વિવિધ ત્રણ જગ્યા પરથી ચોરી કરનાર બે તસ્કરને પોલીસે શાકમાર્કેટ પાછળ આવેલી ઝુપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી બે એસી, બે લેપટોપ, બેટરી, થ્રી વ્હીલર સાઇકલ મળી રૂ.2.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વડોદરામાં ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ 4 જુલાઈના રોજ પેટ્રોલિંગમાં ફરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સ્વામી વિવેકાનંદ હાઈટ્સની સામે આવેલા શાકમાર્કેટની પાછળ ચોપડામાં રહેતો અજય દેવીપુજક તેના મિત્ર વિષ્ણુ દેવીપુજક સાથે મળીને રાત્રિના સમયે બંધ મકાનોમાંથી ચોરી કરે છે. હાલમાં તેઓ અજયના ચોપડામાં ચોરી કરીને ચીજ વસ્તુઓ લાવ્યા છે. બંને જણા આ ચોરીની વસ્તુઓ વેચવાની ફિરાકમાં છે. જેના આધારે ગોરવા પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે બાતમી મુજબના ઝૂંપડામાં રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી અજય દેવપૂજક અને વિષ્ણુ દેવીપુજક ઝડપાઈ ગયા હતા. બંને ચોર પાસેથી બેટરી, વિન્ડો એસી, બે લેપટોપ, સ્લીટ એસીનું આઉટડોર, થ્રી વ્હીલર સાયકલ અને ચોરી કરવાના સાધનો મળી કેટલીવાર રૂ.2.05 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ગોરવા પોલીસે મુદ્દામાલ સાથે બંને ચોરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોરોએ ગોરવા વિસ્તારમાં ત્રણ જગ્યા પર ચોરીને અંજામ આપ્યો હતો.