Get The App

વડોદરા શહેરમાં પોલીસ અને આરોગ્યની ટીમ દ્વારા સેવ ઉસળ તથા ચાની કીટલીઓની દુકાનો પર ઓચિંતુ ચેકિંગ

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
વડોદરા શહેરમાં પોલીસ અને આરોગ્યની ટીમ દ્વારા સેવ ઉસળ તથા ચાની કીટલીઓની દુકાનો પર ઓચિંતુ ચેકિંગ 1 - image

વડોદરા,તા.01 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

વડોદરા શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) વિભાગે કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને આજે શહેરના વિવિધ ચાર વિસ્તારોમાં આવેલ યુનિવર્સિટી, કોલેજ, શાળા જેવી શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુ ઉભા રહેતા ચા- પડીકીના ગલ્લા અને સેવ ઉસળની હાટડીઓ ખાતે ચેકિંગ હાથ ભર્યું હતું. જેમાં તેઓ દ્વારા વેચાતા ખાદ્ય પદાર્થોમાં કોઈ નશાકારક દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ? તે અંગેની તપાસણી કરતાં સેમ્પલ લેવામાં આવ્યા હતા.

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ શૈક્ષણિક સંકુલ જેમાં યુનિવર્સિટી, કોલેજ, શાળાની આજુબાજુ ઉભા રહેતા લારી-ગલ્લા ઉપર અલગ અલગ પ્રકારની ખાદ્ય સામગ્રી વેચાતી હોય છે. ખાસ કરીને અહીં ચા-પાનના ગલ્લા તેમજ સેવ ઉસળની લારીઓ ખાતે ઘણી વખત વિદ્યાર્થીઓ અને લોકોનો જમાવડો થતો હોય છે. આ ખાદ્ય પદાર્થોમાં વિક્રેતાઓ દ્વારા એમનું વેચાણ વધે તે આશયથી કોઈ નશાકારક દ્રવ્યોનો ઉમેરો કરવામાં આવે છે કે કેમ? તે અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ ઝીણવટભરી તપાસ કરવા પાલિકાના આરોગ્ય વિભાગના ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરોની મદદ લીધી હતી. ચારે ઝોનમાં અલગ અલગ ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને એસઓજી વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે યુનિવર્સિટી નજીક  ડેરી ડેન સર્કલ પાસે આવેલ ખેતલાઆપા ટી સ્ટોલ, કીર્તિસ્થંભ મહાકાળી સેવ ઉસળની દુકાન, બગીખાના બરોડા હાઇસ્કુલ, અમિત નગર અને સોમા તળાવ વિસ્તારમાં ઉભી રહેતી ખાણીપીણીની લારીઓ ખાતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાજર ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ખાદ્ય પદાર્થોના નમુના લઇ તેને સીલ કરવાની પ્રક્રિયા કરવા સાથે સેમ્પલ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આગામી દશેક દિવસમાં આ અંગેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ જગ્યાએથી વાંધાજનક તેમજ બિન ઉપયોગી અથવા વેચાણ કરાતા ખાદ્ય પદાર્થમાં કોઈ નશાકારક દ્રવ્યનું પ્રમાણ મળે છે તો તેવા વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News