વડોદરામાં અટલ બ્રિજ સહિત વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ ગયેલું પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર: અટલ બ્રિજ પર સ્પીડ ગનથી ચેકિંગ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
વડોદરામાં અટલ બ્રિજ સહિત વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ ગયેલું પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર: અટલ બ્રિજ પર સ્પીડ ગનથી ચેકિંગ 1 - image


- ભારદારી વાહનો અને ધૂમ સ્ટાઇલથી બાઈક ચલાવી દારૂની હેરાફેરી કરનારા સામે સ્પીડ ગન નો ઉપયોગ જરૂરી

વડોદરા,તા.26 ડિસેમ્બર 2023,મંગળવાર

વડોદરા શહેરમાં અટલ બ્રિજ સહિત મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ નિવડ્યું છે ત્યારે હવે ટ્રાફિક પોલીસ દ્વારા અટલ બ્રિજ સહિત વિવિધ મુખ્ય આઠ જગ્યાએ સ્પીડ ગન મૂકી વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અટલ બ્રિજ સહિત શહેરના વિવિધ આઠ મુખ્ય રસ્તા પર સ્પીડ ગન મૂકી વાહનચાલકોની સ્પીડનું ચેકિંગ શરૂ કરતા કેટલાક વાહન ચાલકો ઝડપાયા તો સ્પીડ ગનમાં ઈ-કનેક્શન હોવાથી સ્પીડ ગન યોગ્ય રીતે ચાલતી ન હતી. 

વડોદરા શહેરમાં આઉટર રીંગરોડ પર એરપોર્ટ સર્કલ થી લઈને કલાલી સુધીમાં આઠ કિલોમીટરના વિસ્તારમાં પાંચ ફ્લાયઓવર અને ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. જેને કારણે વાહનચાલકોની પરિસ્થિતિ પાવાગઢ ચડવા ઉતરવા જેવી થઈ ગઈ છે. એરપોર્ટ સર્કલથી કલાલી વચ્ચે અમિત નગર ફ્યાય ઓવર ત્યારબાદ ફતેગંજ ફ્લાય ઓવર તેના 500 ફૂટ પછી તરત જ પંડ્યા બ્રિજ અને તેના 300 ફૂટ અંતરે જ અટલ ફયાય ઓવર, તેના 3:30 કિલોમીટર પૂરા થાય તે પછી અક્ષર ચોક પાસેથી કલાલી બ્રિજ આવેલો છે. અટલ બ્રિજ અને પંડ્યા બ્રિજ વચ્ચે તો દિવસ દરમિયાન અવારનવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા રહેતા હોય છે. એટલું જ નહીં સાંજના સમયે એરપોર્ટ સર્કલ થી એલ.એન્ડ.ટી સર્કલ સુધી પણ ટ્રાફિક જામ થતો રહ્યો છે ત્યારે વાહનચાલકો સ્પીડમાં વાહન ચલાવી શકે તેવી સ્થિતિ હોતી નથી અને અડધો કલાક સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહેવું પડે છે. તેનો કોઈ ઉકેલ પોલીસ કે કોર્પોરેશન દ્વારા લાવવામાં આવતો નથી.

 વડોદરા શહેરમાં ભારદારી વાહનો પણ ગમે તે સમયે પ્રવેશ કરતા હોય છે અને બેફામ ઝડપે બારદારી વાહન દોડાવતા હોય છે એટલું જ નહીં રાત્રિના સમયે તો દારૂની હેરાફેરી કરનારા ધૂમ સ્ટાઈલથી મોટર બાઇક દોડાવીને જતા હોય છે. એ જ રીતે દાંડિયા બજાર અકોટા બ્રિજ પર પણ યુવકોની બાઇકર્સ ટોળકીઓ પણ રાત્રે ધૂમ સ્ટાઈલ થી મોટર બાઈક દોડાવતા હોય છે તેઓને માટે ક્યારેય પણ સ્પીડ ગનનો ઉપયોગ કરવામાં આવતો નથી. 

વડોદરા શહેર પોલીસે આજે સવારથી અટલ બ્રિજ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પીડ ગન મૂકી વાહન ચાલકોની સ્પીડનું ચેકિંગ શરૂ કર્યું છે ત્યારે વાહનચાલકોમાં ખાસ કરીને ટુ-વ્હીલર અને કારનાચાલકોની સ્પીડનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.


Google NewsGoogle News