શેઠની શીખામણ ઝાંપા સુધી : ગૃહ રાજ્યમંત્રીની નાગરિકો સાથે સારો વ્યવહાર કરવાની સલાહ સામે પોલીસ દ્વારા યુવક પર ગાળોનો વરસાદ
image : Socialmedia
- પોલીસે મહિલાઓ યુવતીઓ નાના બાળકોની હાજરીમાં બાઈક ચાલકની સામાન્ય ભૂલને કારણે જોર જોરથી ગાળો ભાંડી
વડોદરા,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી એક તરફ નાગરિકો સાથે પોલીસ સારી રીતે વ્યવહાર કરે એવી સુફિયાણી સલાહ આપે છે જ્યારે બીજી બાજુ ફતેગંજ વિસ્તારના નો-એન્ટ્રી ઝોનમાં ઘુસેલા બાઈક ચાલકને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી વચ્ચે કહેવાતા પોલીસ દાદાએ સરેઆમ જાહેર રોડ પર નાના બાલ બચ્ચાઓ સહિત મહિલાઓ યુવતીઓ તથા અન્ય નાગરિકોની ભીડ વચ્ચે જોર જોરથી અશ્લીલ ગાળો ભાંડી હતી. જેથી મહિલાઓ સહિત સૌ કોઈના માથા શરમથી ઝૂકી ગયા હતા.
રાજ્ય ગૃહ મંત્રીને વડોદરામાંથી વિદાય થયાને ગણતરીના કલાકોમાં જ પોલીસએના અસલ રંગમાં આવી ગઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે નવા વર્ષને આવકારવા અને વર્ષ 2023ને વિદાય આપવા માટે ફતેગંજ વિસ્તારમાં હજારોની મેદની ઉમટી હતી. જેમાં આબાલવૃદ્ધ સૌ કોઈ રંગે ચંગે ઉજવણી કરવામાં મશગુલ હતા. ફતેગંજ વિસ્તારને પોલીસ વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે નો-એન્ટ્રી કરાયો હતો.
જ્યારે પોલીસના અધિકારીઓ સહિત ડી સ્ટાફ પણ ફરજ પર તૈનાત હતો.
દરમિયાન નો-એન્ટ્રી ઝોનમાં એક બાઈક ચાલક વિડીયો ઉતારતો ઘૂસી ગયો હતો. પરિણામે ઉશ્કેરાયેલા ડી સ્ટાફના પોલીસ જવાને હજારોની મેદનીમાં મહિલાઓ, યુવતીઓ સહિત નાના બાળકોની ઉપસ્થિતિમાં સૌ કોઈ સાંભળે એવી રીતે જોર શોરથી અશ્લીલ બીભસ્ત ગાળો ભાંડી હતી. પરિણામે ત્યાંથી પસાર થતી મહિલાઓ યુવતીઓ સહિત નાના બાળકો સૌ કોઈના માથા શરમથી ઝૂકી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ જગ્યાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરી હોવા છતાં કોઈ અધિકારીની પણ જાણે કે પોતાના ડી સ્ટાફના જવાનોની આવી હરકતમાં મુક સંમતિ હોઈ શકે.
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી વડોદરામાંથી વિદાય થાય એના ગણતરીના કલાકોમાં જ પોલીસની આવી વર્તણૂક શેઠની શિખામણ ઝાંપા સુધી બરાબર કહેવાય. તમે ગમે તેટલી શિખામણ આપો. અમે કાંઈ સુધરવાના નથી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પોલીસની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી હતી પરંતુ આવા એકાદ બનાવથી ખાખી વર્દી માટે લાંછન રૂપ છે.