વડોદરાના ક્વોરીમાં ડમ્પર રિવર્સ લેવા માટે મદદ કરી રહેલા વ્યક્તિ પર પૈડું ફરી જતા મોત
Accident in Vadodara : વડોદરા જિલ્લામાં ભારદારી વાહનોથી અકસ્માતની ઘટનામાં જીવ ગુમાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. તાજેતરમાં ડેસર પોલીસ મથક વિસ્તારમાં આવેલી ક્વોરીમાં ડમ્પર રિવર્સ લેતા સમયે ટાયરની અડફેટે આધેડ આવ્યા હતા. તેમના પર ડમ્પર ફરી વળતા મોત નિપજ્યું હતું. ઉપરોક્ત મામલે ડેસર પોલીસ મથકમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડેસર પોલીસ મથકમાં રાકેશ કમનભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે ખેત મજૂરી કરીને જીવન ગુજારે છે. તેઓના પિતા કમનભાઈ કાળુભાઇ પરમાર રૂદ્ર મિનરલ્સ ક્વોરીમાં ફિડીંગની પોસ્ટ પર નોકરી કરી રહ્યા હતા. 26 એપ્રિલે તેઓ ઘરમાં સુતા હતા. દરમિયાન ક્વોરીના મેનજરનો ફોન આવ્યો અને જણાવ્યું કે, પિતા કમનભાઇનો ક્વોરીમાં અકસ્માત થયો હતો. તેઓને વાગ્યું હતું. જેથી તેઓને ડેસર સરકારી દવાખાને લઇને આવ્યા હતા. જે બાદ પરિજનો હોસ્પિટલ જવા નિકળ્યા હતા.
દવાખાનામાં જઇને જોતા પિતાને પીએમ રૂમમાં રાખવામાં આવ્યા હતા. તેઓને કમરથી સાથળ સુધીનો ભાગ ચગદાઇ ગયેલો હતો. તેમના પર મોટું વાહન ચઢી ગયું હોય તેમ જણાતું હતું. ક્વોરીના મેનેજરે જણાવ્યું કે, ડમ્પર ડ્રાઇવર વિનોદ બાબુભાઇ ઉરાડે પ્લાન્ટમાંથી ડમ્પર ભરેલી ગ્રીટને સ્ટોકમાં ખાલી કરવા માટે રિવર્સ લેતા હતા. કમન પરમાર ડમ્પર રિવર્સ લેવડાવવા માટે પાછળથી સાઇડ બતાવતા હતા. તેવામાં તેઓ ડમ્પરના પાછળના વ્હીલની અડફેટમાં આવી ગયા હતા. જેથી ડમ્પરનું વ્હીલ નીચે તેઓ ચગદાયા હતા. જે બાદ તેમને તાત્કાલિક ડેસર દવાખાને લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેમને મૃત જાહેર કર્યા હતા. ઉપરોક્ત મામલે ડમ્પર ચાલક વિનોદ બાબુભાઇ ઉરાડે (રહે. રૂદ્રા મિનરલ્સ પ્લાન્ટ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.