વડોદરા : સયાજી રાવની કાલા ઘોડા સર્કલ સ્થિત પ્રતિમાની દયનીય હાલત
- તંત્ર દ્વારા કાળજી ન લેવાતા અશ્વારૂઢ પ્રતિમા લીલી પડી ગઈ
- સયાજીરાવની જન્મ જયંતીએ તંત્રએ આજે પુષ્પાંજલિ અર્પણ કરી સંતોષ માન્યો
વડોદરા,તા.11 માર્ચ 2023,શનિવાર
વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતીય) ની 160 મી જન્મ જયંતી નિમિત્તે આજે સવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલાઘોડા સર્કલ સ્થિત સયાજીરાવની અશ્વારૂઢ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધાતુની બનેલી આ પ્રતિમાની હાલત અત્યારે ખૂબ જ દયનીય છે, કેમકે કોર્પોરેશનના તંત્ર દ્વારા તેની બરાબર કાળજી ન લેવાતા પ્રતિમા ઉપર હવામાનની અસર થતા લીલી પડી ગઈ છે, અને પોપડા ઉખડી રહ્યા છે. આ અગાઉ ગયા વર્ષે સયાજીરાવની જન્મ જયંતી પૂર્વે કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી હતી કે આ પ્રતિમાની બરાબર સંભાળ રાખવામાં આવે, તેની સાફ-સફાઈ કરવામાં આવે પરંતુ તંત્રને હજી સુધી સમય મળ્યો નથી. વડોદરામાં મહાત્મા ગાંધીની પ્રતિમાની પણ આવી જ હાલત થઈ છે, તે પ્રતિમા પણ લીલી પડી ગઈ છે, અને પોપડા ઉખડી રહ્યા છે. અગાઉ કોર્પોરેશનમાં આ મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે એવું જણાવ્યું હતું કે શહેરમાં આવી પાંચ સાત પ્રતિમાઓ છે અને સ્વેચ્છિક પણે આ પ્રતિમાઓ સંદર્ભે કામગીરી કરવા લોકો તૈયાર છે, એકાદ પ્રતિમાની કામગીરી નિહાળ્યા બાદ બીજી પ્રતિમાની પણ કામગીરી કરાવવામાં આવશે અને મહાનને વિભૂતિઓની પ્રતિમાની જાળવણી સંદર્ભે કોઈ કચાસ રાખવામાં નહીં આવે, પરંતુ આ મુદ્દે કોઈ પ્રગતિ થઈ શકતી નથી.