વડોદરા : ઓનલાઇન ઠગાઇનું લાખોનું ટર્નઓવર, બોગસ એકાઉન્ટ અને 4000 સીમકાર્ડ ઇસ્યુ કરનાર ગેંગ પકડાઈ

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
વડોદરા : ઓનલાઇન ઠગાઇનું લાખોનું ટર્નઓવર, બોગસ એકાઉન્ટ અને 4000 સીમકાર્ડ ઇસ્યુ કરનાર ગેંગ પકડાઈ 1 - image

વડોદરા,તા.04 નવેમ્બર 2023,શનિવાર

ઓનલાઇન ઠગાઈ કરતી ગેંગનું નેટવર્ક દિવસે દિવસે વધી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકી દ્વારા જુદા જુદા કીમિયા અજમાવીને લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવામાં આવી રહ્યા છે. વડોદરા સાયબર સેલે ઓનલાઇન ઠગાઈ કરતી ગેંગ ને બોગસ સીમકાર્ડ ઇસ્યુ કરનાર તેમજ બેંક એકાઉન્ટોની સવલત પૂરી પાડનાર ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં બે વર્ષમાં 4,000 થી વધુ બોગસ સીમકાર્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો ખુલી છે.

વડોદરાના યુવકે 12 લાખ ગુમાવતા પોલીસ ગેંગ સુધી પહોંચી

વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં રહેતા પ્રવીણ કરાટ નામના યુવકને ઓનલાઈન ઠગ ટોળકીએ શેરબજારના નામે ફસાવ્યો હતો. એન્જલ વર્લ્ડ ના નામે વાતચીત કરનાર ટોળકીય શરૂઆતમાં શેરમાં ઇન્વેસ્ટમેન્ટ ના નામે યુવકને રૂ 16000 નો ફાયદો કરાવી આપ્યો હતો. યુવકને વિશ્વાસ ના લીધા બાદ ટોળકી એ રૂ બાર લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ વધુને વધુ રકમની માંગણી કરી ધાગધમકી આપવા માંડતા યુવકે સાયબર સેલ ને જાણ કરી હતી.

સાયબરની ટીમ ટોળકીના સાગરીતો સુધી કેવી રીતે પહોંચી 

સાયબર સેલના એસીપી અને બે પીઆઇ ની ટીમે પ્રવીણભાઈ સાથે વાતચીત કરનાર મોબાઈલ નંબરો તેમજ બેંક એકાઉન્ટ ની વિગતોને આધારે તપાસ કરતાં સીમકાર્ડ ડમી જણાઈ આવ્યા હતા. પોલીસે મહેસાણા તેમજ ગાંધીનગર સહિતના સ્થળોએ દરોડા પાડી વડોદરાના યુવક ને ઠગવા માટે બોગસ સીમકાર્ડ તેમજ બેંક એકાઉન્ટ પુરા પાડનાર ત્રણ સાગરીતો ઝડપાઈ ગયા હતા.

પકડાયેલા સાગરીતો ના નામ અને કૌભાંડમાં ભૂમિકા

ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકી સાથે સંકળાયેલા ત્રણ સાગરીતોની વિગત આ મુજબ છે.

(1) ક્રિષ્ના કુમાર છગનસિંઘ રાજ પુરોહિત-ધોરણ 12 (વિસનગર, ધરોઈ કોલોની મૂળ રાજસ્થાન) પોતાના નામે અને ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના નામે બેન્ક એકાઉન્ટ આપ્યા હતા. બે વર્ષ દરમિયાન બંને બેન્ક એકાઉન્ટમાં 1.88 કરોડ ના ટ્રાન્જેક્શન થયા હતા અને તેને પાંચ ટકા કમિશન મળ્યું હતું. (2) રીન્કેશ અશોક ભારતી ગોસ્વામી ધોરણ 12 (શ્યામ વિલા ગ્રીન,શેલ્બી હોસ્પિટલ સામે,નરોડા,અમદાવાદ મૂળ સિધ્ધપુર પાટણ) વોડાફોનના સેલ્સમેન તરીકે એજન્ટોનું રજીસ્ટ્રેશન કરાવી તેમના નામના સીમકાર્ડ ઇસ્યુ કરતો હતો. બે વર્ષમાં 4,000 થી વધુ સીમકાર્ડ ઈશ્યુ કર્યા. હર્ષ ચૌધરી પાસેથી એક ગ્રાહક દીઠ 20 રૂપિયા લેખે ડિટેલ મેળવતો હતો.(3) હર્ષ કિર્તીભાઈ ચૌધરી બીએસસી (ગૌરવ ટાઉનશિપ,મહેસાણા રોડ, વિસનગર) પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ શિક્ષણ નો ટ્રેનિંગ સેન્ટર ચલાવી ગ્રામજનોના ડેટા અને ડોક્યુમેન્ટ મેળવી રિંન્કેશને ગ્રાહક દીઠ 20 લેખે માહિતી આપતો હતો.

ડબ્બા ટ્રેડિંગ સાથે પણ કનેક્શન,પોલીસે કબજે કરેલી ચીજો

સાયબર સેલના સૂત્રોએ કહ્યું છે કે ઉપરોક્ત ટોળકી દ્વારા કરાયેલા સીમકાર્ડ ડબ્બા ટ્રેડિંગના સાગરીતોને પણ પહોંચાડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પકડાયેલા ત્રણેય સાગરીતો પાસેથી છ મોબાઈલ અને એક લેપટોપ કબજે કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News