વડોદરાના નામચીન યુસુફ કડીયાના સાગરિતની આગોતરા જામીન અરજી નામંજૂર
image : Freepik
- 30 લાખ ઉઘરાવવા આવેલા યુવકના ગળે અશદઅલીએ છરી મુકી યુસુફને ભગાડયો
વડોદરા,તા.12 ડિસેમ્બર 2023,મંગળવાર
વડોદરાના વાસણા-ભાયલી રોડ પર રહેતા નામચીન યુસુફ શેખ ઉર્ફે કડીયા પાસે રૂ.૩૦ લાખની ઉઘરાણી માટે આવેલા રાજસ્થાનના યુવકને યુસુફના કહેવાથી અશદઅલીએ ગળે છરી મુકી યુસુફ શેખને ત્યાંથી બહાર મોકલી આપ્યો હોવાની ફરિયાદમાં અદાલતે અશદઅલીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.
રાજસ્થાનના મકરાણા ખાતે રહેતા માર્બલના વેપારી મો.નદીમ સગીર એહમદ ગેસાવતે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, વાસણા-ભાયલી રોડ પર અર્થ-24માં બી ટાવરમાં પહેલા માળે રહેતા મારા મામા યુસુફ સિદ્દિકભાઇ શેખ પાસે મારા માસીના પુત્ર ઇમરાન ગેસાવત 30 લાખ માંગતો હોવાથી તેની ઉઘરાણી માટે અમે યુસુફને ત્યાં આવ્યા હતા. ત્રણ દિવસ પછી વહેલી સવારે હું યુસુફમામાના દાદર પાસે બેઠો હતો અને માસીનો પુત્ર સરફરાજ નીચે બેઠો હતો ત્યારે ચાર માણસો આવ્યા હતા. જેમાંથી ત્રણ જણા મારી પાસે આવ્યા હતા અને તે પૈકીના એક શખ્સે મારા ગળે છરી મુકી કુછ ભી બોલના મત, વરના કાટ ડાલૂંગા..તેવી ધમકી આપી હતી. આ વખતે યુસુફ તેના પુત્ર અને પુત્રી સાથે ઘરમાંથી નીકળી ગયો હતો. યુસુફે છરી મુકનારને કહ્યું હતું કે, અશદબાપુ અગર જ્યાદા હોંશીયારી કરે તો ઇસિકો કાટ દેના, મેં બૈઠા હું...સબ સંભાલ લુંગા. આ ગુનામાં સામેલ આરોપી અશદઅલી લિયાકતઅલી સૈયદ ( રહે.તાડફળિયા, વાડી) એ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી એડિશનલ સેશન્સ જજ આર.એચ.ત્રિવેદીએ નામંજૂર કરી છે. અદાલતે નોંધ્યું હતું કે, આવા પ્રકારના ગુનામાં આરોપીને આગોતરા જામીનથી રક્ષણ આપવામાં આવે તો સમાજમાં તેની વિપરીત અસર પડે તેમ છે. સરકાર તરફે વકીલ ડી.જે.નાળિયેરીવાળાએ રજૂઆત કરી હતી.