વડોદરા : અસામાજિક તત્વો સામે આક્રોશ બાદ ગોરવામાં સપાટો, નામચીન ગુનેગારો પકડાયા
વડોદરા,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર
વડોદરાના ગોરવા વિસ્તારમાં એક યુવક ઉપર થયેલા હિચકારા હુમલાના બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને લોકોની રજૂઆતો બાદ ગઈ રાતે પોલીસે કોમ્બિંગ કરી સપાટો બોલાવતા અસામાજિક તત્વોમાં નાસભાગ મચી ગઈ છે.
જલારામ નગર વિસ્તારમાં નજીક બાબતે તકરાર બાદ આકાશ શર્મા નામના બાઈક સવાર યુવક ઉપર અબજલ ઉર્ફે અબુ ઘાંચી (જલારામ નગર, ગોરવા) દ્વારા 8 થી 10 મારવામાં આવ્યા હતા. જે બનાવવામાં જવા નગર પોલીસે તાત્કાલિક હુમલાખોરને ઝડપી પાડ્યો હતો. પરંતુ સ્થાનિક રહીશો દ્વારા હુમલાખોરના ભાઈ અને માતાને પકડવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.
ગોરવા વિસ્તારની સંઘર્ષ સમિતિ દ્વારા ગઈકાલે પોલીસ કમિશનરને આ વિસ્તારમાં વધી રહેલા અસામાજિક તત્વો પર અંકુશ મેળવવા માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. જેને પગલે જવા નગરના પીઆઇ એમ.એન.શેખ અને અન્ય અધિકારીઓ દ્વારા ગોરવા તેમજ જવા નગર વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતુ.
પોલીસે 50થી વધુ માથાભારે તત્વોને ચેક કર્યા હતા અને પીધેલાના તેમજ દારૂના 10 કેસો કર્યા હતા. બે વાહન પણ કબજે લીધા હતા તેમજ માથાભારે રાજુ બેટરી તેમજ રફીક રાઠોડ સહિતના ગુનેગારો સામે અટકાયતી પગલા લેતા માથાભારે તત્વોમાં ગભરાટ ફેલાયો હતો.