મુખ્યમંત્રીએ ડંકો વગાડ્યો: BSE માં વડોદરા કોર્પોરેશનના બોન્ડનું લિસ્ટીંગ
વડોદરા,તા.30 માર્ચ 2022,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.100 કરોડના બોન્ડનું આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સવારે 9:15 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડંકો વગાડી કોર્પોરેશનના બોન્ડનું લિસ્ટિંગ કર્યું હતું. આ પ્રસંગે ભારત સરકારના સ્માર્ટ સિટી મિશનના ડાયરેક્ટર કુણાલ કુમાર, રાજ્ય સરકારના નાણા અગ્રસચિવ જેપી ગુપ્તા, બોમ્બે સ્ટોક એક્સચેન્જ એમડી તથા સીઈઓ આશિષકુમાર, વડોદરા મેયર કેયુરભાઈ રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો. હિતેન્દ્રભાઈ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સ્ટેજ ઉપર ડિજિટલ ઘડિયાળ રાખવામાં આવી હતી. અને સવારે 09.15 કલાકના ટકોરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ડંકો વગાડી કોર્પોરેશનના બોન્ડનું લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન બોન્ડ 10 ગણો વધુ સબસ્ક્રાઇબ થતાં મેયરે વડોદરાએ ઇતિહાસ રચ્યો હોવાની સિદ્ધિ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ,આ સેરેમનીમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ જરૂરી નથી. 100 કરોડ તો તાજેતરમાં મુખ્યમંત્રીએ અમને ફલાયઓવર બ્રિજ બનાવવા માટે ફાળવ્યા છે. પરંતુ વડોદરા કોર્પોરેશનના ઉદ્દેશને ધ્યાનમાં રાખી તેઓ અહીં ઉપસ્થિત રહ્યા છે. આ બોન્ડ થકી વડોદરામાં પાણીની સમસ્યાનું સમાધાન થશે. મ્યુનિસિપલ કમિશનર શાલીનીબેન અગ્રવાલે કોર્પોરેશન માટે આ ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. કોર્પોરેશનના પહેલા બોન્ડને હાઈએસ્ટ સબસ્ક્રીબશન મળતા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને એકાઉન્ટ શાખાના સંતોષ તિવારી સહિત ટીમનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમણે હાર્ડ વર્કને સક્સેસ કરી બતાવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના મહાનગરોને વિશ્વસ્તરીય સુવિધા માટે સ્માર્ટ સિટી મિશન કાર્યરત છે. અમદાવાદ, સુરત બાદ વડોદરા કોર્પોરેશનએ બોન્ડ ઈશ્યૂ કર્યો છે. તેમાંથી ઉભા થતાં ભંડોળનો ઉપયોગ શહેરી વિકાસ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસીલીટીની વૃદ્ધિમાં થશે. તદુપરાંત અર્બન ડેવલોપમેન્ટ માટે સરકારે 14 હજાર કરોડની રકમ ફાળવી છે. આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ મ્યુનિસિપલ બોન્ડ મહત્વનો ભાગ ભજવે છે.