વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બાકી મિલકત વેરાની કડક વસુલાત કરશે

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બાકી મિલકત વેરાની કડક વસુલાત કરશે 1 - image


- અત્યાર સુધીમાં 577 કરોડનો વેરો વસૂલ

- 671 કરોડના રિવાઇઝડ ટાર્ગેટ સામે હજુ 94 કરોડની ઘટ

વડોદરા,તા.20 ફેબ્રુઆરી 2024,મંગળવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરાની બાકી વસુલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ વર્ષે કોર્પોરેશનના મિલકત વેરાના સુધારેલા અંદાજથી હજુ આશરે 94 કરોડની ઘટ છે. ચાલુ વર્ષે મિલકતવેરાની આવકનો લક્ષ્યાંક 642 કરોડનો હતો, જે રિવાઇઝડ બજેટમાં સુધારીને 671 કરોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 577 કરોડની વસુલાત કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા બિન રહેણાંક 12,770 મિલકત સીલ કરવામાં આવી છે, જ્યારે 14,600 ને વોરંટ બજાવવામાં આવ્યા છે. અંદાજે 16 000 રહેણાંક મિલકત ધારકોને નોટિસો આપવામાં આવી છે. જે બિન રહેણાંક મિલકતો છે, તેને સાત દિવસની નોટિસ આપીને મિલકત સીલ કરવામાં આવે છે. જ્યારે રહેણાંક મિલકત ધારકોને વેરો ન ભરે તો પાણી કનેક્શન કાપી નાખવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવા આડે હજુ સવા મહિનાનો સમય બાકી છે, તે સમય દરમિયાન કોર્પોરેશન 94 કરોડની ઘટને પહોંચી વળવા વધુ સખતાઈથી કામગીરી હાથ ધરશે. વર્ષ 2022-23 માં કોર્પોરેશન દ્વારા મિલકત વેરાની વિક્રમ જનક 600.15 કરોડની વસૂલાત કરી હતી. જે આગલા વર્ષ કરતાં 70 કરોડ વધુ હતી. કોર્પોરેશને આ વસુલાત માટે 1.20 લાખ મિલકતો સીલ કરી હતી. જ્યારે 3,600 રહેણાંક મિલકતોના પાણીના કનેક્શન કાપી નાખ્યા હતા. દરમિયાન કોર્પોરેશન દ્વારા તારીખ 31 માર્ચ સુધી ભાડા આકારણી અને ક્ષેત્રફળ આધારિત આકારણીમાં બાકી પડતા વેરા ઉપર પ્રોત્સાહક વ્યાજ વળતર યોજના શરૂ કરી છે. ભાડા આકારણી પદ્ધતિ મુજબ તારીખ 1-4-2003 થી અત્યાર સુધીનો બાકી પ્રોપર્ટી ટેક્સ એક સાથે ભરી દે તો નક્કી કરેલા ટકા મુજબ પ્રોત્સાહક વ્યાજ વળતર આપવામાં આવે છે. જ્યારે ક્ષેત્રફળ આધારિત આકારણીમાં વર્ષ 2003 થી અત્યાર સુધીનો બાકી વેરો ભરી દે તો એમાં પણ નક્કી કરેલા ટકા મુજબ પ્રોત્સાહક વ્યાજ વળતર અપાય છે.ભાડા આકારણી મુજબ વેરો બાકી હોય પણ ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ મુજબ અત્યાર સુધીનો બાકી વેરો ભરી દે તો તેને પણ આ યોજનાનો લાભ કોર્પોરેશન આપી રહી છે.


Google NewsGoogle News