મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખમાં કોઈ આવડત નથી

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખમાં કોઈ આવડત નથી 1 - image

વડોદરાઃ વિશ્વામિત્રીના પૂરના કારણે વેપારીઓને  ભારે આર્થિક ફટકો પડયો છે.પાણી ઉતરી ગયા બાદ હજી પણ સાફ સફાઈ અને બીજા પ્રશ્નો હોવાના કારણે ઘણા વેપારીઓના ધંધા રોજગાર રાબેતા મુજબ શરુ નથી થયા.વડોદરાના વેપારીઓના સંગઠન વેપાર વિકાસ એસોસિએશન તથા કેટ( કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા  ટ્રેડર્સ)દ્વારા મુખ્યમંત્રી, ગૃહ મંત્રી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજ્ય સરકાર બરખાસ્ત કરે તેવી માંગણી કરવામાં આવી છે.

વેપાર વિકાસ એસોસિએશનના ચેરમેન રમેશ પટેલ, પ્રેસિડેન્ટ પરેશ પરીખ સહિતના હોદ્દેદારોએ પત્રમાં જણાવ્યું છે કે, વડોદરાની વસતી જ્યારે ૮૦૦૦૦ હતી ત્યારે બનેલી સિસ્ટમમાં ૨૩  લાખની વસતી થયા બાદ પણ કોઈ સુધારો થયો નથી.કોર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખમાં કોઈ આવડત નથી.છેલ્લા ૨૫ વર્ષથી વડોદરા માનવ સર્જિત પૂરોનો સામનો કરી રહ્યું છે અને તેના કારણે વેપારીઓ અને નાગરિકો ભારે નુકસાન વેઠી ચુકયા છે.રાજ્ય સરકારે વિશ્વામિત્રી માટે ૧૨૦૦ કરોડ રુપિયા ફાળવ્યા છે ત્યારે આપ્રોજેકટને  રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પૂરો કરે અને કોર્પોરેશનને ના આપે.

વેપારી સંગઠને વધુમાં કહ્યું છે કે, છેલ્લા ૨૫ વર્ષમાં જેમના પણ કાર્યકાળમાં વિશ્વામિત્રીની બંને તરફ દબાણો થયા છે તે તમામ અધિકારીઓ અને કોર્પોરેશનના ચૂંટાયેલા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવે તથા વડોદરાના પૂરથી અસરગ્રસ્ત લોકોને વળતર આપવામાં આવે.


Google NewsGoogle News