વડોદરાના સાંસદે બે કલાકમાં જ હિટ એન્ડ રનના આરોપીને છોડાવ્યો
વડોદરા,તા.20 ફેબ્રુઆરી 2024,મંગળવાર
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ગઈકાલે રાત્રે બનેલા હીટ એન્ડ રનના બનાવમાં આરોપીને છોડાવવામાં વિવાદમાં આવ્યા છે.
ગઈકાલે સાંજે ફતેગંજ સર્કલ નજીક સ્કૂટર પર સમોસા લેવા નીકળેલા એમએસ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ ને એક કાર ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જેથી લોકોએ કારચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસની તપાસ દરમિયાન પકડાયેલા કાર ચાલકનું નામ કુશ રાજેશભાઈ પટેલ (મુક્તિધામ સોસાયટી, ન્યુ સમા રોડ) હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. જે દરમિયાન રાત્રે સાંસદ રંજનબેન ભટ્ટ પોલીસ સ્ટેશનને આવ્યા હતા અને પીઆઇ સાથે વાતચીત કરી માત્ર બે કલાકમાં જ આરોપીને જામીન પર છોડાવી ગયા હતા.
આ બનાવનો વિડીયો વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે સાંસદ રંજનબેન ભટ્ટે એવી સ્પષ્ટતા હતી કે, અકસ્માતના બનાવવા પકડાયેલો આરોપી કુશ મારો પાડોશી છે અને તેની સામે ધરપકડની તમામ કાર્યવાહી કરી દેવામાં આવી હતી. કુશની બહેનના લગ્ન હોવાથી તેને કન્યાદાન કરવાનું હતું. જેથી ધરપકડની તમામ કાર્યવાહી પૂરી કર્યા બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.