MSUના વીસીએ વિવેક બુધ્ધિનો ઉપયોગ કરવો જોઈતો હતો, વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ બદલ સાંસદે પણ નારાજગી વ્યક્ત કરી
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં મેસ ફી ફરજિયાત કરવાના વિરોધમાં આંદોલન કરનારા વિદ્યાર્થીઓ પર વાઈસ ચાન્સેલરના આદેશ પ્રમાણે રાયોટિંગનો ગુનો દાખલ કરાવના નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.
વિદ્યાર્થીઓને આ રીતે ડરાવવા, ધમકાવવાના તાનાશાહી નિર્ણયની પહેલા માંજલપુર વિસ્તારના ધારાસભ્યે આકરી ઝાટકણી કાઢી હતી અને હવે વડોદરાના સાંસદે પણ તેની સામે નારાજગી વ્યક્ત કરી છે.
સાંસદે વાઈસ ચાન્સેલરનુ નામ લીધા વગર કહ્યું હતું કે, હું જેમને ગુરુજન માનું છું તેમણે પોતાની વિવેક બુધ્ધિનો ઉપયોગ કરવો જોઈતો હતો અને આવી નાની વાત માટે અને 2000 રૂપિયાના નુકસાન માટે 200 વિદ્યાર્થીઓ પર રાયોટિંગનો ગુનો દાખલ કરવાની જરૂર નહોતી. વિદ્યાર્થીઓ કોઈ ગુનેગાર નથી. જોકે મને પોલીસ કમિશનર અને ગૃહ રાજ્ય મંત્રી પર ભરોસો છે અને તેઓ વિદ્યાર્થીઓની કેરિયર બગડે તેવુ કોઈ પણ પગલુ નહીં ભરે. વિદ્યાર્થીઓને આપણે સમજાવી શકીએ અને તેમનુ કાઉન્સિલિંગ પણ કરી શકીએ પણ આટલી નાની બાબત માટે આ પ્રકારનું પગલું ભરવું તે મારા મતે યોગ્ય નથી.
સાથે-સાથે સાંસદે વિદ્યાર્થીઓને પણ સંયમ જાળવવા અપીલ કરીને કહ્યું હતું કે, આ રીતે વાઈસ ચાન્સેલરના ઘરે જઈએ અને તેમના પરિવારને આઘાત લાગે તેવુ કૃત્ય કરવું જોઈએ નહીં.