ધંધામાં રોકાણની લાલચ આપી 6.90 લાખ પડાવી લેતા માતા-પુત્ર , ત્રણ લોકો સામે ગુનો દાખલ
- મોબાઈલ ફોનના ધંધામાં રોકાણ કરશો તો સારું વળતર મળશે તેવી લાલચ આપીને 6.90 લાખ પડાવી લેનાર માતા પુત્ર સહિત ત્રણ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે
વડોદરા,તા.23 નવેમ્બર 2023,ગુરૂવાર
નવાયાડ હાજી પાર્ક સોસાયટીમાં રહેતો ફેજાન હુસેનભાઇ શેખ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવે છે કે મેં 2023 માં નિર્મલા કોલોનીમાં રહેતા સલીમ ઉર્ફે શાલીન સિરાજભાઈ રાજ મને મળ્યા હતા અને કહ્યું હતું કે હું તથા અજીમ અહેમદભાઈ વાઘેલા મોબાઇલ ફોન લે વેચનો ધંધો કરીએ છીએ અને જથ્થાબંધ મોબાઈલ ફોન લઈને વેચાણ કરીએ છીએ. અમારા ધંધામાં નાણાનું રોકાણ કરીશ તો તેનું યોગ્ય વળતર આપીશ. મને સલીમ પર વિશ્વાસ આવતા મેં મારા બેન્ક એકાઉન્ટમાંથી ત્રણ લાખ રૂપિયા તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા તેમજ 9 હજાર રૂપિયા આપ્યા હતા તથા મારા ભાઈ ફાઈઝ શેખના ક્રેડિટ કાર્ડમાંથી 60,000 તથા મારા મિત્ર યસ પોપટાણીના ક્રેડિટ કાર્ડમાંથી 1.40 લાખ મળીને કુલ 6.0 લાખ રૂપિયા સલીમ તથા તેની માતા શહેનાજબેનને આપ્યા હતા. તેઓએ એક મહિના સુધી મને વળતર આપ્યા બાદ કોઈ વળતર આપ્યું નથી અને મેં મારા નીકળતા પૈસા પરત માગતા આપ્યા નથી.