Get The App

વડોદરા લોકસભાના ઉમેદવાર ડો.હેમાંગ જોશીના પ્રચાર પર બ્રેક : કેટલીક વિધાનસભાની પરિચય બેઠક રદ થતાં વિવાદ

Updated: Mar 29th, 2024


Google NewsGoogle News
વડોદરા લોકસભાના ઉમેદવાર ડો.હેમાંગ જોશીના પ્રચાર પર બ્રેક : કેટલીક વિધાનસભાની પરિચય બેઠક રદ થતાં વિવાદ 1 - image


Loksabha Election Vadodara : ભારતીય જનતા પાર્ટીમાં બીજીવાર પસંદગી પામેલા વડોદરા લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીને આગામી તારીખ 3 એપ્રિલ સુધી ચૂંટણી પ્રચારની કોઈ રણનીતિ ઘડવી નહીં અને તારીખ 31ના રોજ પ્રભારી ગોરધન ઝડફિયા આવે ત્યારબાદ વધુ કામગીરી કરવાની રહેશે તેમ જણાવી દેવામાં આવ્યું હોવાની માહિતી બહાર આવતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

વડોદરા લોકસભા બેઠક પર ભાજપ માટે દિવસે ને દિવસે આંતરિક વિવાદ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પક્ષે અગાઉ અહીંની બેઠક પરથી રંજનબેન ભટ્ટને ટિકિટ આપ્યા બાદ તેમના નામ મુદ્દે વિવાદ શરૂ થયો હતો. પક્ષના જ કેટલાક ચોક્કસ નેતાઓના ઇશારે તેમનો વિરોધ શરૂ કરવામાં આવ્યા બાદ પોતાની બદનામી થતી હોવાનું જણાવી તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. જેના ગણતરીના દિવસોમાં વડોદરા લોકસભા બેઠક પર ભાજપના નવા ઉમેદવાર તરીકે ડો.હેમાંગ જોશીની પસંદગી કરવામાં આવી હતી. હેમાંગ જોશીની પસંદગીથી હજુ પણ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ માટે આ નામ આશ્ચર્યનું માનવામાં આવે છે ! મનોમન કેટલાક કાર્યકર્તાઓએ આ નામ સ્વીકારી લીધું છે પરંતુ પીઢ, અનુભવી અને વર્ષોથી પક્ષ માટે માત્ર અને માત્ર સેવા કરતા અનેક કાર્યકર્તાઓને હજુ આ નામ કદાચ પસંદ આવી રહ્યું નથી! ત્યારે હવે ભાજપના કાર્યકર્તાઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, પક્ષે ડો.હેમાંગ જોશીને આગામી તારીખ ત્રણ સુધી પ્રચારની કોઈ રણનીતિ નહીં ઘડવાની સૂચના આપી દીધી છે. તેમ જ વડોદરા શહેરની તમામ પાંચ વિધાનસભા બેઠક પર જે પરિચય બેઠક નક્કી કરવામાં આવી રહી હતી તે પણ રદ કરી દેવામાં આવી છે. સાથો સાથ કાર્યકર્તા સંમેલન પણ હવે નહીં મળે અને માત્ર પરિચય બેઠકથી જ પ્રચાર થશે તેવી મૌખિક સૂચના અપાઈ હોવાનું કેટલાક કાર્યકર્તાઓમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે ડોક્ટર હેમાંગ જોશીને આવી સૂચના અપાઈ કે કેમ? તે અંગે પણ અનેક સવાલો હાલ કાર્યકર્તાઓ અને નેતાઓમાં ચર્ચામાં છે. ડો.હેમાંગ જોશીને અગામી તારીખ ત્રણ એપ્રિલ સુધી ચૂંટણી પ્રચારની કોઈ રણનીતિ નક્કી નહી કરવા સૂચના આપી છે તો બીજી બાજુ આગામી રવિવારના રોજ પ્રભારી ગોરધન ઝડફિયા વડોદરા આવવાના છે અને તેમની આગેવાનીમાં તબક્કાબાર તમામ વિધાનસભા દીઠ કાર્યકર્તાઓને બોલાવી પરિચય બેઠક કરવની વિચારણા છે. માત્ર તેના કારણે હાલ પરિચય બેઠક કદાચ રદ કરવામાં આવી હોઇ શકે તેમ ચર્ચાઇ રહ્યું છે.


Google NewsGoogle News