વડોદરા જિલ્લા પંચાયત આમંત્રણ પત્રિકા અને લોકાર્પણની તક્તી માટે પોલિસી બનાવશે
પાદરાના ધારાસભ્યે સ્કૂલોનું લોકાર્પણ કરી દેતાં વિવાદ સર્જાયો હતો
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં ગ્રામજનોની સમસ્યાના ઉકેલ આવવામાં વિલંબ થઇ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર નવા કાર્યોના લોકાર્પણ માટે પોલિસી બનાવામાં વ્યસ્ત બન્યું છે.
પાદરા તાલુકાના ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તેમના મત વિસ્તારમાં પાંચ સ્કૂલોનું લોકાર્પણ કરતાં તેની તક્તીના નામોના મુદ્દે ઉગ્ર વિરોધ થયો હતો.વિપક્ષના વડુ ગામના સદસ્યએ તેમના ગામની બે સ્કૂલોના ઉદ્ધાટન કરવામાં આવ્યા તેમજ બીજી ત્રણ સ્કૂલોના થોડા સમયમાં લોકાર્પણ કરવામાં આવ્યા તેમાં વિપક્ષની સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રથમ નાગરિક કહી શકાય તેવા મહિલા પ્રમુખની પણ બાદબાકી કરવામાં આવી હોવાની રજૂઆત કરી હતી.
તેમણે પાંચ સ્કૂલોનું લોકાર્પણ કરનાર ધારાસભ્ય અને અન્ય બે-ત્રણ હોદ્દેદાર સિવાય કોઇને મહત્વ નહિં મળ્યું હોવાથી પોલિસી નક્કી કરવા માટે રજૂઆત કરી હતી.તેમણે આરોગ્ય વિભાગ દ્વારા બે એમ્બ્યુલન્સના લોકાર્પણમાં પણ આવો જ છબરડો થયો હોવાની રજૂઆત કરી હતી.
જેથી જિલ્લા વિકાસ અધિકારીએ હવે લોકાર્પણની તક્તી કે તેની પત્રિકા માટે તમામ અધિકારીઓને પોલિસી બનાવી જિલ્લા પંચાયતના પ્રમુખને પૂછ્યા પછી જ પત્રિકા કે તક્તી બનાવવી તેની સૂચના આપી છે.