વડોદરા : ગરબાની મોજ માણવા ફતેગંજ બ્રિજ પર આડેધડ વાહન પાર્કિંગ : અમદાવાદ જેવી અકસ્માતની ઘટના બનવાની શક્યતા

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
વડોદરા : ગરબાની મોજ માણવા ફતેગંજ બ્રિજ પર આડેધડ વાહન પાર્કિંગ : અમદાવાદ જેવી અકસ્માતની ઘટના બનવાની શક્યતા 1 - image

વડોદરા,તા.20 ઓક્ટોબર 2023,શુક્રવાર

માતાજીની ભક્તિ અને આરાધનાનું મહાપર્વ નવરાત્રી નિમિત્તે ગરબાની રંગત જામી રહી છે ત્યારે ફતેગંજ મેઇન રોડ ઉપર થતા ગરબા જોવાના ઈરાદે ફતેગંજ બ્રિજ ઉપર આડેધડ વાહન પાર્ક કરીને પોતાના વાહન પર બેસી જઈને અન્ય વાહન ચાલકોની કે પછી અકસ્માતની પરવાહ કર્યા વગર કલાકો સુધી ગરબા જોયા કરે છે. અમદાવાદ જેવી કોઈ ગમખ્વાર દુર્ઘટનાથી બચવા ફતેગંજ બ્રિજ પર પોલીસ પેટ્રોલિંગ અતિ આવશ્યક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિન પ્રતિદિન શેરી ગરબા લુપ્ત થઈ રહ્યા છે જ્યારે બીજી બાજુ મોટા ગરબાનું ઠેક ઠેકાણે આયોજન થઈ રહ્યું છે. આવા મોટા ગરબા જોવા માટે ગરબા પ્રિય  લોકો ગમે ત્યાં ગમે તેવી જગ્યાએ ઊભા રહીને ગરબા જોવાનો આનંદ માણતા હોય છે. 

ફતેગંજ વિસ્તારમાં મેઇન રોડ પર ફતેગંજ બ્રિજની બિલકુલ નજીક નીચેના ભાગમાં સામૂહિક ગરબા યોજાય છે આ ગરબા જોવા માટે લોકો ટોળા ઉભરાય છે. 

આમ છતાં ફતેગંજ બ્રિજ પરથી વ્યવસ્થિત ગરબા જોવાનો આનંદ લૂંટવા વાહનચાલકો પોતપોતાના વાહન આડેધડ પાર કરી દેતા હોય છે અને પોતાના વાહન પર બેસીને બિન્દાસ રીતે ગરબા જોવાની મોજ માણે છે. પરંતુ  ગરબાની મોજ માણવામાં અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરી બેસે અને કોઈ નિર્દોષોની જિંદગી દાવ પર લાગે એ અગાઉ આ બ્રિજ પર પોલીસ પેટ્રોલિંગ અતી આવશ્યક છે. ફતેગંજ બ્રિજના ટર્નિંગ પર જ વાહનચાલકો આડેધડ વાહન પાર્ક કરીને ગરબા જોવે છે ત્યારે પોતે પોતાની જિંદગી દાવ પર લગાવીને બેઠા હોય છે. રખે ને કોઈ અજાણ્યો ટ્રક ચાલક આ રસ્તે થી મર્યાદિત ગતિથી પસાર થાય તો પણ અકસ્માત નિવારી શકે એવી પરિસ્થિતિમાં હોતો નથી. 

અત્રે યાદ આપવું જરૂરી છે કે, અમદાવાદના બ્રિજ પર તાજેતરમાં જ સર્જાયેલી દુર્ઘટનામાં જગુઆર મોટરચાલકની નિષ્કાળજીના કારણે કેટલાય નિર્દોષોને પોતાની જિંદગીથી હાથ ધોવા પડ્યા હતા. આવી જ કોઈ દુર્ઘટના ફતેગંજ બ્રિજ પરના ટર્નિંગ પર થતી રોકવા માટે ટ્રાફિક નું સંચાલન કરવા માટે પોલીસ પેટ્રોલિંગ અત્યંત જરૂરી છે.

ફતેગંજ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં પણ બે પોલીસ સ્ટેશન વચ્ચે હદનો વિવાદ

ફતેગંજ બ્રિજ પરના ટર્નિંગ પર આડેધડ વાહનો પાર કરીને ફતેગંજ મેઇન રોડ પર રમાતા ગરબા જોવા માટે વાહનચાલકો ઉભા રહી જાય છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ અત્યંત જરૂરી છે.

પરંતુ મજાની વાત એ છે કે આ બ્રિજ પર એક સાઇડ પર સયાજીગંજ પોલીસની હદ લાગે છે જ્યારે સામેની બાજુએ ફતેગંજ પોલીસની હદ લાગે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો ફતેગંજ અને સયાજીગંજ પોલીસ વચ્ચે હદનો વિવાદ સર્જાશે એમાં કોઈ બે મત નથી

જો કોઈ જાન લેવા દુર્ઘટના સર્જાય તો  આ બંને પોલીસ મથકની પોલીસ રીતસર મેજર ટેપ લઈને રોડ ઉપર ઉતરી પડે છે અને પોતાની હદમાં આ બનાવ બન્યો નથી એવું ગાણું સતત ગયા કરે છે. માટે કોઈ અઘટીત દુર્ઘટના ન બને તેથી ફતેગંજ અને સયાજીગંજ પોલીસે હદ વિવાદને બાજુ પર મૂકીને આ બ્રિજ પર સંયુક્ત રીતે જવાબદારી સમજીને પેટ્રોલિંગ કરે એ અત્યંત જરૂરી છે.


Google NewsGoogle News