વડોદરાની આઈઆઈઆઈટી 12 વર્ષથી ગાંધીનગરની સરકારી કોલેજમાં ચાલે છે
વડોદરાઃ એન્જિનિયરિંગનું શિક્ષણ આપતી કેન્દ્ર સરકારની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આઈઆઈટી( ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી) એનઆઈટી( નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી) અને આઈઆઈઆઈટી( ઈન્ડિન ઈન્સ્ટિટયુટ ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજી)નો સમાવેશ થાય છે.
સમગ્ર દેશમાં ૨૩ આઈઆઈટી, ૩૧ એનઆઈટી અને ૨૬ આઈઆઈઆઈટી છે.આ પૈકી એક આઈઆઈઆઈટી વડોદરાને પણ ફાળવવામાં આવી છે.જોકે આ આઈઆઈઆઈટીની ૨૦૧૩માં શરુઆત થયાના ૧૨ વર્ષ પછી પણ હજી ગાંધીનગર ખાતે જ ચાલી રહી છે.૨૦૧૩માં તેની સ્થાપના થઈ ત્યારે વડોદરામાં તેના માટે જમીન ફાળવવામાં આવી નહોતી અને તેના કારણે તેની શરુઆત ગાંધીનગરની ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં કરવામાં આવી હતી.આઈઆઈઆઈટીનો મુખ્ય હેતુ ઈન્ફર્મેશન ટેકનોલોજીને લગતું શિક્ષણ આપવાનો છે.આ આઈઆઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજીની ૨૫૨ બેઠકો છે.ઉપરાંત એમટેક અને પીએચડીના કોર્સ પણ ચાલે છે.
વડોદરામાં સરકારે પહેલા પાદરા ખાતે જમીન આપવાનું નક્કી થયું હતુ અને એ પછી નિર્ણય બદલીને દુમાડ ખાતે તેના માટે ૬૨ એકર જગ્યા ફાળવવામાં આવી હતી.સાવ ધીમી ગતિએ કામ કરતા તંત્રના કારણે આજે ૧૨ વર્ષ પછી પણ વડોદરાના નામની આઈઆઈઆઈટી ગાંધીનગર ખાતે જ ચાલી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે, દુમાડ ખાતે બાંધકામ શરુ કરી દેવામાં આવ્યું છે.જોકે વડોદરામાં તેના કેમ્પસને શરુ કરવામાં બીજા બે વર્ષ લાગી જાય તેવી શકયતા છે.દરમિયાન આ અંગે વધારે જાણકારી મેળવવા માટે આઈઆઈઆઈટીની વેબસાઈટ પર દર્શાવેલા બે નંબરો પૈકી એક પર પણ સત્તાધીશોનો સંપર્ક થઈ શક્યો નહોતો.
પ્રવેશ પ્રક્રિયામાં તમામ જગ્યાએ વડોદરા તરીકે જ ઉલ્લેખ
જેઈઈના પરિણામ બાદ સરકાર દ્વારા થતી એડમિશન પ્રક્રિયા દરમિયાન તમામ જગ્યાએ અને ખુદ તેની વેબસાઈટ પર પણ તેનો ઉલ્લેખ વડોદરા આઈઆઈઆઈટી તરીકે કરવામાં આવે છે પણ વિદ્યાર્થીઓ શિક્ષણ ગાંધીનગરમાં લે છે. આઈઆઈઆઈટીના તમામ પ્રકારના દસ્તાવેજોમાં પણ આ જ પ્રકારનો ઉલ્લેખ હોય છે.આઈઆઈઆઈટીનું કેમ્પસ જે સ્થળે છે ત્યાંથી તેની હોસ્ટેલ પણ દૂર હોવાથી વિદ્યાર્થીઓનો અવર જવરમાં પણ ખાસો સમય સમય જઈ રહ્યો છે.
નવા કેમ્પસમાં શું સુવિધાઓ હશે
એકેડમિક બ્લોક
એડમિનિસ્ટ્રેશન બ્લોક
મલ્ટી પર્પઝ હોલ
એક્ઝિક્યુટિવ હોસ્ટેલ
ડિરેકટર રેસિડન્સ
કમ્બાઈન્ડ હોસ્ટેલ બ્લોક
કોમન મેસ અને સ્ટુડન્ટ ફેસિલિટિઝ
કર્મચારીઓ અને અધ્યાપકો માટેના ક્વાર્ટર્સ
ક્લબ તેમજ હેલ્થ ફિટનેસ બ્લોક
ઓપન એર થિયેટર
ઈલેક્ટ્રિક સબ સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
સેન્ટ્રલ યુનિ.નું પણ હજી ૧૦૦ ટકા સ્થળાંતર થયું નથી
આઈઆઈઆઈટી, વડોદરાની જેમ સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતને પણ ગાંધીનગરમાં કાર્યરત કરવામાં આવી હતી.જોકે વડોદરાના કુંઢેલા ખાતે તેના કેમ્પસનું નિર્માણ ઝડપથી શરું થયું હતુ.આમ છતા હજી પણ સેન્ટ્રલ યુનિવર્સિટીનું ૧૦૦ ટકા સ્થળાંતર શક્ય બન્યું નથી. લગભગ ૮૦ ટકા કામગીરી વડોદરા શરુ થઈ છે.આ યુનિવર્સિટીને સંપૂર્ણ પણે વડોદરામાં શરુ થતા બીજા ચારેક મહિનાનો સમય લાગશે તેમ મનાઈ રહ્યું છે.