વડોદરા હરણી બોટ દુર્ઘટના : બાળકો મમ્મી...મમ્મી...સાથે-સાથે ટીચરને બહાર કાઢો...બહેનને બહાર..કાઢો તેવી બૂમો પાડતા હતા
- હરણી ગામના લોકો કહે છે, અમને ખબર પડતા દોડીને અહીં આવતા જોયું તો પાંચ લાશ પડેલી હતી
- સાત જીવતા હતા, બાકીના અંદર હતા
- ઠંડીથી ધ્રુજતા બાળકોને ધાબળા ઓઢાડતા અમને બાઝી પડ્યા હતા અને છોડતા જ ન હતા
વડોદરા,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર
વડોદરામાં ગુરૂવારે હરણી તળાવ ખાતે ન્યુ સનરાઈઝ સ્કુલના બાળકો અને શિક્ષિકાઓને લઈ જતી બોટ પલટી જતા 14 ના કરુણ મૃત્યુ થવાના બનાવ અંગે હરણી ગામના લોકો ખૂબ જ દુઃખી છે. તેઓ કહે છે હરણી ગામના તળાવમાં બનેલી આ દુર્ઘટનાથી ગામ બદનામ થઈ રહ્યું છે, ત્યારે આ ઘટના માટે જવાબદાર અને બેદરકાર લોકોને સખત નસિયત થવી જોઈએ.
આ ઘટના અંગે ગામની મહિલાઓ અને યુવાનોએ કહ્યું હતું કે બપોરે 3:30 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાની જાણ તેઓને સવા ચાર વાગ્યે થઈ હતી, અને સોસાયટીના વોચમેને આ ઘટના અંગે જાણ કરતા અમે તાત્કાલિક દોડીને અહીં તળાવ ખાતે આવ્યા હતા, જોયું તો બહાર પાંચ લાશ પડી હતી. સાત જીવતા હતા. અસંખ્ય તળાવની અંદર હતા. જે બાળકો બચી ગયેલા હતા, તે ખૂબ જ ગભરાયેલા હતા, અને ઠંડીથી ધ્રુજતા હતા. મમ્મી... મમ્મી ...તેવું કહેવાની સાથે સાથે અમારા ટીચરને બહાર કાઢો.... બહેનોને બહાર કાઢો...તેવી બૂમો પાડતા રહ્યા હતા. અમે તરત જ તેઓને અહીંથી લઈ ગયા હતા, અને ધાબળા અને બ્લેન્કેટ ઓઢાડી સાંત્વન આપતા હતા. કારણ કે પાણીમાં ડૂબી જવાના કારણે તેઓ ગભરાઈ ગયા હતા. બાળકો અમને બાઝી પડ્યા હતા અને છોડતા જ ન હતા. ગામના એક યુવાને કહ્યું હતું કે તળાવ ફરતે લોખંડની જાળી છે. ઇમરજન્સી ગેટ છે નહીં અને જે ગેટ છે તેને લોક મારી રાખે છે. આ બનાવ બનતા લોખંડની જાળી તોડીને અંદર જવાનો વારો આવ્યો હતો. લોખંડની જાળી તોડવાના કારણે એક જણાને વાગ્યું તો પણ ખરા. જાળી ના કારણે બચાવ કામગીરીમાં પણ મોડું થયું હતું.
જો ગેટ ખુલ્લો રાખ્યો હોત તો તરત જ ત્યાંથી અંદર જઈને બચાવ કામગીરી વેળાસર ચાલુ કરી દીધી હોત તો વધુ બે ચારના જીવ બચી શકત. એક મહિલાએ કીધું હતું કે આ બનાવ અમારી નજર સમક્ષ બન્યો હોવાથી આંખ બંધ કરીએ તો પણ છોકરાઓ અમને જે બાઝી પડેલા એ દ્રશ્ય દેખાય છે. છોકરાઓને મમ્મી પપ્પાને કેવું થતું હશે તેની કલ્પના પણ થઈ શકતી નથી. અમે આટલા હિંમતવાળા છીએ તો પણ આ ઘટનાથી ધ્રુજી ગયા છીએ. કેવી રીતે થયું અને કઈ રીતે થયું તેની કલ્પના પણ થઈ શકતી નથી. ગઈકાલના બનાવ પછી અમે ઊંઘવાનું તો ઠીક જમી પણ શક્યા નથી. એક મહિલાએ કહ્યું હતું કે સ્કૂલમાંથી પ્રવાસે લઈ જતી વખતે બાળકોને પાણીમાં અને બોટિંગમાં તો ન જ લઈ જવા જોઈએ.