વડોદરા: હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન આપવા વડોદરા હાટનું કામ દોઢ -બે વર્ષમાં પૂર્ણ થાય તેવી સંભાવના
ડાયમંડ જ્યુબિલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝના તાલીમ કેન્દ્ર ખાતે આ હાટ બનાવાશે
કોર્પોરેશનમાં યોજાયેલી પ્રથમ બેઠકમાં ચર્ચા વિચારણા હાથ ધરાઈ
વડોદરા, તા. 11 નવેમ્બર 2023 શનિવાર
વડોદરામાં હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે વડોદરા હાટ બનાવવાનું કામ દોઢ- બે વર્ષમાં પૂર્ણ થઈ જશે તેવી શક્યતા છે. વડોદરા કોર્પોરેશનમાં આ સંદર્ભે ગઈકાલે પ્રથમ બેઠક પણ મળી હતી. વડોદરામાં ડાયમંડ જ્યુબિલી કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ના તાલીમ કેન્દ્ર ખાતે આ હાટ બનાવવામાં આવનાર છે. વડોદરા હાટ ડેવલપ કરવા માટે તેનું સ્ટ્રકચર ઊભું કરવા, વ્યવસ્થા ગોઠવવા સંદર્ભે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં તેની ડિઝાઇન પણ રજૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે તમામ વિભાગના તજજ્ઞોના અભિપ્રાય મેળવીને હાટ વધુ સારી રીતે કઈ રીતે બની શકે તે દિશામાં કામગીરી કરવામાં આવશે, તેમ બેઠકમાં ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેકટર પણ હાજર રહ્યા હતા. વડોદરા હાટ માટે એક પેટા કમિટીનું પણ ટૂંક સમયમાં ગઠન કરવામાં આવનાર છે. વડોદરામાં ગયા જુલાઈ મહિનામાં વિધાનસભાના મુખ્ય દંડક દ્વારા રી ઇમેજિંગ વડોદરાના નેજા હેઠળ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિશે પરિસંવાદ નું આયોજન કર્યું હતું. જેમાં વડોદરા હાટ બનાવવા વિચાર વહેતો મૂક્યો હતો. એ પછી 8 ઓગસ્ટે જ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. સરકાર દ્વારા આ માટે એક સમિતિ નું ગઠન કરવામાં આવ્યું છે. સાત ઓગસ્ટ કે જે નેશનલ હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ ડે તરીકે ઉજવાય છે તે દિવસે ગુજરાતના ઉદ્યોગપ્રધાન વડોદરા આવ્યા હતા અને તેમણે એક સમારોહમાં વડોદરા હાટ બનાવવાની જાહેરાત કરી હતી . ઉલ્લેખનીય છે કે 7 ઓગસ્ટે ગાંધીજીએ સ્વદેશી આંદોલનના મંડાણ કર્યા હતા. વડોદરા હાટ 1.5 લાખ ચોરસ ફુટ વિસ્તારમાં આકાર પામશે. અહીં હસ્તકલાના કારીગરો માટે પ્રદર્શન સેન્ટર, તાલીમ કેન્દ્ર, દુકાનો વગેરે બનાવવામાં આવશે. 15,000 ચોરસ ફૂટ વિસ્તારમાં એમફી થિયેટર નું નિર્માણ કરાશે અને બહારગામ થી આવનાર હસ્તકલા ના કારીગરોને રહેવા માટે રૂમો પણ બનાવવામાં આવશે.