વડોદરાનુ ગ્રુપ નર્મદા પરિક્રમા કરવાની સાથે સાથે રુટ પરનો કચરો પણ સાફ કરશે
વડોદરાઃ નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમનો પ્રારંભ થઈ ચુકયો છે.દર વર્ષે ચૈત્ર મહિનામાં થતી આ પરિક્રમાનો રુટ લગભગ ૨૨ કિલોમીટરનો છે.છેલ્લા કેટલાક વર્ષોમાં તેનુ મહાત્ત્મય ઘણુ વધી ગયુ છે અને એક મહિના દરમિયાન પરિક્રમા કરતા ભાવિકોની સંખ્યા હવે લાખોમાં પહોંચી ગઈ છે.
પરિક્રમામાં નર્મદા મૈયાના ભક્તોની વધી ગયેલી સંખ્યાએ એક મોટી સમસ્યા સર્જી છે અને તે છે કચરાની.રુટ પર ભાવિકોની સેવા કરવા માટે સ્થાનિક લોકો ઠેર-ઠેર ચા -નાસ્તાનુ વિતરણ કરવા માટે સ્ટોલ લગાવીને ઉભા રહે છે.ઘણા ભાવિકો ચા- નાસ્તાના કપ તેમજ પેપર ડીશો અને બીજો કચરો રુટ પર જ ફેંકી દે છે.પરિક્રમા બાદ આખો રુટ કચરાથી ઉભરાતો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.આ કચરો નદીને પણ પ્રદુષિત કરે છે.આ સમસ્યાને ઉજાગર કરવા માટે તેમજ તેનો ઉકેલ લાવવા માટેનો દાખલો બેસાડવા માટે વડોદરાના યુવાઓએ ગત વર્ષથી અભિયાન શરુ કર્યુ છે.આ વખતે પણ વડોદરાની સંસ્થા સેવ ધ ટ્રી દ્વારા દેવસ્થ ફાઉન્ડેશન તેમજ વિશ્વામિત્રી પદયાત્રા, એમ બે સંગઠનોની મદદ લઈને પરિક્રમા કરવાની સાથે સાથે કચરો પણ સાફ કરવામાં આવશે.
સેવ ધ ટ્રી સંસ્થા સાથે સંકળાયેલા લાવણ્ય સેન કહે છે કે, ગત વર્ષે પણ અમે પરિક્રમા પૂરી થયા બાદ સફાઈ કરવા માટે ગયા હતા.તે વખતે જોકે ઘણો કચરો ધૂળ અને માટીના ઢગલા નીચે દબાઈ ગયો હતો.આ વખતે અમે શરુઆતથી જ કચરો સાફ કરવાનુ નક્કી કર્યુ છે.અમારુ ગુ્રપ પરિક્રમા પણ કરશે અને સાથે સાથે રસ્તામાં ફેંકાયેલો કચરો ઉઠાવીને ગાર્બેજ બેગમાં ભરતુ જશે.આ ગાર્બેજ બેગો સ્થાનિક તંત્ર અને પંચાયતો દ્વારા મુકવામાં આવતા મોટા કદના થેલાઓમાં નાંખતુ જશે.અમે આ વખતે પરિક્રમા ચાલશે ત્યાં સુધી દર શનિવારે રાત્રે જવાનુ નક્કી કર્યુ છે.કારણકે શનિવાર અને રવિવારે ભાવિકોની ભીડ વધારે રહેતી હોય છે.રુટ પર અમને કચરો સાફ કરતા જોઈને બીજા લોકો પણ કદાચ રસ્તા પર ખાલી ડીશો કે કપ અને બીજો કચરો ફેંકતા કદાચ બે વખત વિચાર કરશે.અમે પોતાના જ ખર્ચે જવાના છે અને સફાઈ પણ પોતાના જ ખર્ચે કરવાના છે.
લાવણ્ય સેન કહે છે કે, અમે આ અભિયાનમાં વધુને વધુ લોકોને જોડવા માંગીએ છે અને તેના કારણે અમે ગૂગલ ફોર્મ થકી સ્વયંસેવકોની ટીમ બનાવી છે.નર્મદા મૈયા અને તેની પરિક્રમનો રુટ સ્વચ્છ રહે તે માત્ર સ્થાનિક લોકોની નહીં પણ પરિક્રમા માટે જનારા દરેક વ્યક્તિની જવાબદારી છે.
ભાવિકો પોતાની થાળી, ગ્લાસ અને વાડકી સાથે લઈ જાય
સફાઈ કરવા માટે તૈયાર થયેલા ગુ્રપનુ કહેવુ છે કે, ભાવિકો પરિક્રમા કરવા જાય ત્યારે જો સાથે પોતાના ગ્લાસ, વાડકી અને થાળી લઈ જાય તો પણ કચરાની સમસ્યા ઓછી થઈ શકે છે.સાથે સાથે ભાવિકોએ એક થેલી રાખવી જોઈએ.જેમાં તે પોતાનો કચરો ભેગો કરીને સાથે રાખી શકે અને બાદમાં તેનો યોગ્ય રીતે નીકાલ કરી શકે.
ગામના લોકો કહે છે કે અમે સેવા આપીએ છે ,અમારાથી ભાવિકોને કશું ના કહેવાય
લાવણ્ય સેનના જણાવ્યા અનુસાર રુટ પર ભંડારાનુ આયોજન કરતા લોકો ડસ્ટબિન તો મુકતા હોય છે પણ હજારો લોકો રુટ પર ચાલતા હોવાથી ડસ્ટબિનો ઉભરાઈ જતી હોય છે અને એ પછી રુટ પર ચાલતા ચાલતા લોકો કચરો ફેંેકતા જતા હોય છે.ગામડાઓનો લોકોનુ માનવુ છે કે, અમે તો સેવા આપીએ છે એટલે અમારાથી ભાવિકોને કોઈ જાતની ટકોર ના કરાય.અમે તેમની સાથે ગયા વર્ષે વાત કરી ત્યારે તેમણે અમને આ જ પ્રકારનો જવાબ આપ્યો હતો.તેમના ગામડા ગંદા થાય છે પણ તેમની ભલમનસાઈ એટલી છે કે, તે કોઈને કશું કહેતા નથી.એટલે સુધી કે હવે તો નર્મદા નદીના પાણીમાં પણ પરિક્રમાના રુટ પરનો કચરો દેખાવા માંડયો છે.નર્મદા મૈયાના ભક્તોનુ હૈયુ દ્રવી ઉઠે તેવુ આ દ્રશ્ય હતુ.