ગોત્રી હોસ્પિટલની ૩૧ વર્ષની પરિણીત નર્સનો ઘરમાં ફાંસો ખાઇને આપઘાત
કર્મકાંડ કરતો પતિ યજમાનને ત્યાં પુજા કરીને પરત આવ્યો તો ઘરનો દરવાજો બંધ હતો, લોક તોડીને જોયુ તો અંકિતાની લાશ પંખા સાથે સુતરની દોરીથી ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી
મૃતક અંકિતા ત્રિવેદી |
શહેરના વાઘોડિયા-ડભોઇ રિંગ રોડ ઉપર સન ક્લાસિક ફ્લેટમાં રહેતી અને ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ૩૧ વર્ષના પરિણીત યુવતીએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
સન ક્લાસીક ફ્લેટના સી ટાવરમાં રહેતો અને કર્મકાંડ કરતા રોનક ત્રિવેદીની પત્ની અંકિતા ગોત્રી હોસ્પિટલના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. ગુરુવારે સાંજે રોનક કોઇ યજમાનને ત્યાં પૂજા માટે ગયો હતો અને તેનો ૮ વર્ષનો પુત્ર દાદાના ઘરે હતો. રોનક પુજા પતાવીને સાંજે ૬.૪૫ વાગ્યાના અરસામાં ઘરે આવ્યો હતો. ઘરનો દરવાજો બંધ હતો અને ખટખટાવવા છતાં અંદરથી અંકિતાએ કોઇ જવાબ નહી આપતા રોનકે પડોશીઓને બોલાવ્યા હતા અને દરવાજાનું લોક તોડીને ઘરમાં પ્રવેશ કરતા બેડરૃમમાં પંખા સાથે સુતરની દોરી વડે ફાંસો ખાધેલી હાલતમાં અંકિતાની લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા ંપાણીગેટ પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
પોલીસનું કહેવુ છે કે અંકિતાની ઉમર ૩૧ વર્ષની હતી તેણે કયા કારણથી આપઘાત કર્યો છે તે હજુ જાણી શકાયુ નથી. આપઘાતનો ગુનો દાખલ કરીને તપાશ શરૃ કરી છે.
ગત મહિને ગોત્રી હોસ્પિટલની નર્સની તેના પતિએ જ હત્યા કરી હોવાનો બનાવ બન્યો હતોમૃતક શિલ્પા પટેલ |
શહેરના આજવારોડ ઉપર વૈૈકુંઠ-૨ સોસાયટીના દરવાજા પાસેથી ગત તા.૪ ડિસેમ્બર ૨૦૨૦ની રાત્રે ૮.૩૦ વાગ્યાના અરસામાં ગોત્રી કોવિડ હોસ્પિટલની નર્સ શિલ્પા પટેલની લાશ મળી આવી હતી. શિલ્પા પટેલ આજવારોડ, કમલાનગર પાસે રહેતી હતી. તે રાત્રે શિલ્પાની નાઇટ સિફ્ટ હોવાથી તે મોપેડ લઇને ગોત્રી હોસ્પિટલ જવા માટે નીકળી હતી જે બાદ રાત્રે ૮.૩૦ વાગ્યાના અરસામાં કોઇએ પોલીસને જાણ કરી હતી કે વૈકુંઠ-૨ સોસાયટીના પાછળના દરવાજા પાસે એક મહિલાની લાશ પડી છે. પોલીસે આવીને તપાસ કરતા જાણ થઇ કે આ લાશ શિલ્પા પટેલની છે. આ બાબતે પોલીસે તપાસ કરતા બહાર આવ્યુ હતુ કે શિલ્પાના પતિ એવા પ્રાઇમરી શિક્ષક જયેશ પટેલે જ હત્યા કરી હતી.