વડોદરા : ટ્રેનમાં ભીડનો લાભ ઉઠાવી મોબાઈલ ફોનની ચોરી કરતો ગઠીયો ઝડપાયો
image : Freepik
- મોબાઈલ ફોનની ચોરી કરી નાસતા ગઠીયાને શોર મચાવતા પોલીસે ઝડપી પાડ્યો
વડોદરા,તા.17 ઓગસ્ટ 2023,ગુરૂવાર
વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી ઉતરતા સમયે ભીડનો લાભ ઉઠાવી મુસાફરોના મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટવાનો પ્રયત્ન કરતા ગઠીયાને મુસાફરોએ શોર મચાવતા સ્થળ પર હાજર પોલીસે ઝડપી પાડી બે મુસાફરોના મોબાઈલ ફોન રિકવર કરી આરોપીની ચોરીના ગુનામાં અટકાયત કરી હતી.
ઉત્તર પ્રદેશના રહેવાસી સુભાષ યાદવ 15 ઓગસ્ટના રોજ અંધેરી રેલવે સ્ટેશનથી વડોદરા માટે અવધ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા 16 ઓગસ્ટના રોજ સાંજે વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 ખાતે ટ્રેન ઉભી રહી હતી. તેઓ ટ્રેનમાંથી ઉતરતા હતા તે સમયે ભીડનો લાભ ઉઠાવી એક શખ્સે તેમના ખિસ્સામાંથી મોબાઈલની ચોરી કરી નાસવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ચોર ચોર ની બૂમો પાડતા રેલ્વે પોલીસ કર્મચારીઓ તથા આરપીએફના પોલીસ કર્મચારીઓએ તે શખ્સને ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી સાકીર ઉર્ફે આદિલ સલીમ ઉર્ફે સાદિક શેખ (રહે- સંગ્રામપુરા ગામ ,સુરત/ મૂળ રહે- માલેગાંવ, મહારાષ્ટ્ર) હોવાનું બહાર આવ્યું હતું. તેમજ અન્ય એક મુસાફર સુરતથી વડોદરા માટે અવધ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પાસે તેમના ખિસ્સામાંથી પણ મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. આ બનાવમાં પણ સાકીર શેખની સંડોવણી બહાર આવી હતી.