કેનેડાના સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને 16.60 લાખ પડાવી લીધા
image : freepik
- કેનેડાના સ્ટુડન્ટ વિઝા આપવાના બહાને ભરૂચના બદમાશો દ્વારા 16.60 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. છેલ્લા અઢી વર્ષથી ગોળ ગોળ ફેરવતા ઠગ સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે
વડોદરા,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર
વડોદરામાં માંજલપુર ગામના શિવપુરમ ફ્લેટમાં રહેતા નિશાબેન દીપકભાઈ કદમ ઘરકામ કરે છે તેમના પતિ કુવૈત ખાતે રહે છે અને મિકેનિકલ એન્જિનિયર છે. તેઓને પણ અવારનવાર કુવૈત જવાનું થાય છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2015માં હું કુવૈત ખાતે મારા પતિ સાથે રહેતી હતી અને મારી દીકરીઓ મારી મમ્મી સાથે વડોદરા રહેતી હતી. મારી દીકરીને કેનેડા મોકલવી હોય કુવૈતમાં રહેતા રશિદભાઈ પટેલ જે મારા પતિના મિત્ર થાય છે તેઓ દ્વારા અમારે સાદિક મહંમદ ઈકબાલ પટેલ રહેવાસી વસીમ વિલા સોસાયટી દહેજ બાયપાસ રોડ શેરપુરા ભરૂચ સાથે સંપર્ક થયો હતો. મારી દીકરીને કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે વાતચીત થઈ હતી તે સમયે સાદિક મહંમદે મારી દીકરીના વિઝા માટે 21 લાખ થશે તેવું જણાવ્યું હતું અને તેને વિઝા માટેના ફોર્મની પીડીએફ બનાવે મારી દીકરીના મોબાઈલ પર વોટ્સએપ દ્વારા મોકલી આપી હતી. ત્યારબાદ અમે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફરી પીડીએફ બનાવી પણ મોકલી આપી હતી અને એડવાન્સ 4,00,000 આપ્યા હતા. ત્યારબાદ કેનેડામાં કોલેજની ફી ભરવા માટે 9.60 લાખ એડવાન્સમાં આપવા પડશે તેવું જણાવતા અમે 9.60 લાખ રૂપિયા તેના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ હાર્દિક પટેલ વિઝા તથા કોલેજની રીસીપ્ટ બાબતે કોઈ જવાબ આપતો ન હતો. થોડા મહિના પછી સાદિક પટેલે એમને કહ્યું હતું કે તમારે બાયોમેટ્રીક માટે દિલ્હી જવું પડશે જેથી અમને શંકા જતા મારા પતિ કુવૈતથી વડોદરા આવ્યા હતા અને સાદીકના ઘરે રૂબરૂ મળવા ગયા હતા. તેણે વધુ ત્રણ લાખ રૂપિયા માટે માંગતા અમે તેના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા ત્યારબાદ પણ તેણે વિઝા નહીં અપાવતા તથા અમારી પાસેથી લીધેલા રૂપિયા પણ પરત આપ્યા ન હતા.