ભગવાન બુધ્ધની ચોથી સદીની મૂર્તિ સહિતના ઐતિહાસિક વારસાને પૂરના પાણીથી નુકસાન
વડોદરાઃ વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે મચાવેલી તબાહીમાં એમ.એસ.યુનિવર્સિટી પણ બાકાત નથી રહી.અલગ અલગ વિભાગોમાં થયેલા નુકસાનની જાણકારી સામે આવી રહી છે.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના આર્કિઓલોજી વિભાગમાં તો પૂરના પાણીમાં ચોથી સદીમાં મળી આવેલી ભગવાન બુધ્ધની પ્રતિમા સહિતના વિવિધ અવશેષો પણ પલળી ગયા છે.
આર્કિઓલોજી વિભાગના ભોંયરામાં આ વસ્તુઓ મૂકવામાં આવી હતી.જેમાં પાણી ઘૂસી જવાના કારણે ઐતિહાસિક વારસાને નુકસાન થયું છે.અત્યારે પણ તે પાણીમાં છે અને હજી સુધી તેને બહાર કાઢવામાં આવ્યો નથી.ભોયરામાં રખાયેલી ભગવાન બુધ્ધની પ્રતિમા ચોથી સદીની છે.જે વડનગરથી ૧૦૦ કિલોમીટર દૂર આવેલી દેવની મોરી આર્કિઓલોજી સાઈટ ખાતેથી સંશોધકોને મળી હતી.ઉપરાંત ૨૦૦૦ વર્ષ જૂના ટેરાકોટાના વાસણો, ઈંટો, શંખ તથા હાડકાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે.વિદ્યાર્થીઓ ફિલ્ડ ટ્રિપ માટે જે વસ્તુઓ ઉપયોગમાં લેતા હતા તે પણ અત્યારે પાણીમાં છે.
આર્કિઓલોજી વિભાગના હેડ પ્રો.સુસ્મિતા સેન કહે છે કે, આટલા વર્ષોમાં અમારા ભોંયરામાં આટલું પાણી ક્યારે આવ્યું નથી.ભોંયરામાં ૧૯૫૦માં આર્કિઓલોજી વિભાગની સ્થાપના થઈ તે પછી અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલા ઉત્ખનન દરમિયાન મળેલી વસ્તુઓ સાચવવામાં આવી છે.વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આ અવશેષો મદદરુપ થાય છે.પાણી એટલું ઝડપથી ભોંયરામાં પ્રવેશ્યું હતું કે અમને સામાન કાઢવાનો સમય મળ્યો નહોતો.તેમનું કહેવું છે કે, પાણી કાઢવામાં આવી રહ્યું છે પણ હજી થોડું પાણી બાકી છે.ઐતિહાસિક ધરોહરને નુકસાન તો થયું છે પણ તેને સુકવીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે.જૂના દસ્તાવેજો પણ પલળી ગયા છે.