લંડનમાં બોગસ સ્પોન્સર લેટર આપી વડોદરાનાં પિતા અને પુત્રીની લાખોની ઠગાઈ
image : Freepik
Visa Fraud in Vadodara : કરજણ તાલુકામાં લંડનના બોગસ સ્પોન્સપશીપ લેટર પકડાવીને વડોદરાના પિતા અને પુત્રી દ્વારા રૂ.15 લાખની ઠગાઇ કરી હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
કરજણમાં રહેતા રીતીષાબેન બ્યુટી પાર્લરનો કોર્ષ કરે છે. બે વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. સાસરીપક્ષે પરિચિતના દિકરાના લગ્ન વડોદરાની શ્રેયાંસી સાથે થયા હતા. વર્ષ 2022માં શ્રેયાંસી લંડન અભ્યાસ માટે ગઇ હતી. શ્રેયાંસી પરિચીત થતી હોવાથી તેની જોડે વાતચીત થતી હતી. એક દિવસ તેણે કહ્યું કે, તારે લંડન આવવું હોય તો હું વર્ક પરમીટ વિઝા કરાવી આપીશ.
શ્રેયાંસીએ કહ્યું કે, તમારા બંનેના તમામ પ્રોસેસના રૂ.18 લાખ થશે, તમે મારા પપ્પાને પૈસા આપી દેજો. બાદમાં રૂ.6 લાખ તેમના પપ્પાને આપ્યા હતા. નાણાં લીધા બાદ પાવતી માંગતા સ્ટેમ્પ પેપર પર લખાણ કરી આપવાનું જણાવ્યું હતું. દરમિયાન વોટ્સએપ મારફતે જરૂરી ડોક્યૂમેન્ટ્સની આપ-લે કરવામાં આવી હતી. એક મહિના બાદ શ્રેયાંસી લંડનથી પરત આવતા તેણે મળતાં તમે વિઝા બાબતે ચિંતા ના કરો, તમારા તમામ કાગળો તૈયાર છે, તમે મને બાકીની રકમ ચુકવી આપો તો હું વિઝા મંગાવી લઉં. જે બાદ રૂ.9 લાખ રોકડા આપ્યાં હતા. જે બાદ વિડીયો કોલ પર ઇન્ટરવ્યુ થયો હતો અને બે દિવસમાં તમારો સર્ટીફીકેટ ઓફ સ્પોન્સરશીપ લેટર અમને આપ્યો હતો.
ત્યારબાદ ખબર પડી કે, શ્રેયાંસીએ લંડનથી ભારત આવ્યા ત્યારે છુટાછેડા લઇ લીધા છે. વિઝા માટે તેને ફોન કરતા ગલ્લા-તલ્લા કરવાના શરૂ કરી દીધા હતા. સ્પોન્સર લેટરની ઓનલાઇન ખાતરી કરતા બોગસ જણાઇ આવ્યો હતો. આખરે બોગસ સ્પોન્સરશીપ લેટર પકડાવીને રૂ.15 લાખની ઠગાઇ મામલે શ્રેયાંશી યોગેશભાઇ જોશી અને યોગેશ કુમાર ડાહ્યાભાઇ જોશી (રહે. પરિમલ સોસાયટી, વડોદરા) સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.