ભળતી જમીન બતાવી વડોદરાના ધોબી પરિવારે પિતા પુત્રને એક કરોડમાં નવડાવ્યા: નોટરી સહિત ચાર સામે ફરિયાદ
image : Freepik
વડોદરા,તા.4 જાન્યુઆરી 2024,ગુરૂવાર
વડોદરા નજીકના વરણામા ગામે રહેતા ખેડૂત પિતા-પુત્રને મેઘાકુઈ અને કનકુઈ ગામની ભળતી જમીન વડોદરાના ધોબી પરિવારે બતાવી હતી. અને પિતા પુત્ર પાસેથી તૂટક તૂટક રૂ.1,04,52,700 પડાવી લીધા હતા. અને નકલી સાક્ષી ઊભા કરી નોટરી પાસે ખોટા દસ્તાવેજ રજૂ કરી બાનાખત બનાવ્યું હતું. તેની જાણ ખેડૂતને થતા ધોબી પરિવાર તેમજ મહિલા નોટરીની સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર વડોદરા તાલુકાના વરણામા ગામના ઇટોલીયા વગામાં રહેતા 31 વર્ષીય ખેડૂત કૃણાલ મહેશ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે કુણાલ અને તેમના સ્વર્ગીય પિતા મહેશભાઈને જમીન લેવી હતી. તેની જાણ આજવા રોડ સરદાર એસ્ટેટ નજીક જેપી નગરમાં રહેતા અનવરહુસેન ધોબી, આસમાબેન ધોબી તથા ફૈઝમહમદ ધોબીને હતી. તેથી ગત જાન્યુઆરી 2020 માં તેમણે કુણાલ અને તેના પિતાનો સંપર્ક કરી વિશ્વાસમાં લીધા હતા. અને ત્રણેય ભેગા મળી મહેશભાઈ પાસેથી તૂટક તૂટક રૂપિયા 96,47,700 તથા કુણાલ પાસેથી તૂટક તૂટક રૂપિયા 8,05,000 મળી કુલ રૂપિયા 1,04,52, 700 જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. અનવરહુસેને રૂ. 22,27,700 અને આસમા બે ને રૂ.35,20,000 તેમજ ફૈઝે રૂપિયા 47,05,000 મેળવી લીધા હતા. બાદ કુણાલને તારીખ 11/1/2020 ના રોજ દતુભાઈ નામના વ્યક્તિના નામનો સ્ટેમ્પ વેન્ડર સ્વર્ગીય ઇલાબેન એન જોશી પાસેથી રૂ.300નો પેપર ખરીદ કરાવ્યો હતો. તે સ્ટેમ્પ પેપર પર અનવરહુસેને કુણાલના પિતાને મેઘા કોઈ ગામની બ્લોક નંબર 123 ની જમીનના ઓરીજનલ માલિકોની જાણ બહાર તેમજ બે જમીન માલિકો વર્ષ 2017માં ગુજરી ગયા હોવા છતાં બતાવી હતી અને તેઓના નામથી રૂ.11,50,000નું બનાવટી બાનાખત કર્યું હતું. આ બાનાખતમાં સાચા માલિકોની બદલે ભરતી વ્યક્તિઓના ફોટા લગાવી દેવાયા હતા અને અંગૂઠા અને સહી કરવામાં આવી હતી. તેના સાક્ષી તરીકે દતુ વિજય ચૌહાણ નામથી બનાવટી સહી કરવામાં આવી હતી. અનવરહુસેને આ બાનાખત પ્રતાપનગર વિસ્તારની અશોકવાટિકા માટે એડવોકેટ વિનોદ મણીલાલ મલકાણની નોટરી પત્ની નયનાબેન પાસે નોટરાઈઝ કરાવવા ગયા હતા. અને નયના બેને ખરાઈ કર્યા વગર આધાર કાર્ડ કે પુરાવા ચેક કર્યા વિના બાનાખત નોટરી ચોપડામાં તારીખ 11 જાન્યુઆરી 2020 ના રોજ નોંધ્યું હતું અને બાનાખત લખવાની જગ્યાએ નોંધણી નંબર લખ્યો હતો. આ બાનાખતમાં બી ફોર મી ના સહી સિક્કા કરી નોટરાઈસ પણ કરી દીધું હતું. એ જ રીતે અનવરહુસેને ફરીથી 10 મી ઓગસ્ટ 2020ના રોજ રૂ.300નો ઇ-સ્ટેમ્પ પર સ્ટેમ્પ વેન્ડર મૈયત ઇલાબેન જોશી પાસેથી પોતાના નામનો ખરીદ કર્યો હતો અને મહેશભાઈને કનકુઈ ગામની 390 સર્વે નંબર તેમજ 224 સર્વે નંબરની ગામ તળમાં આવતી ન હોય તેવી જમીનો કુસુમબેન મનુભાઈ પાટણવાડીયા ના નામની કોઈ અજાણી વ્યક્તિના નામથી રૂપિયા 26 લાખનું બનાવટી બાનાખત ઊભું કર્યું હતું. આ બાનાખતમાં કુસુમબેનનો અંગૂઠો ઓળખાવ્યા બદલ તમામ આના ઉપર અનવરહુસેને પોતાની સહી કરી હતી અને બાનાખત નોટરી કપિલ રામદાસ ખારવા પાસે નોટરાઈઝ કરાવ્યું હતું. તેની જાણ કુણાલ ને થતા ચારેય સામે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે એક મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
આરોપીઓના નામ
(1)અનવરહુસેન ગુલામહુસેન ધોબી,
(2)આસમાબેન અનવરહુસેન ધોબી,
(3)ફૈઝમહમદ અનવરહુસેન ધોબી, ત્રણેય રહે. સરદાર એસ્ટેટ જેપી નગર
(4)નોટરી નયનાબેન વિનોદભાઈ મલકાણ ( રહે પ્રતાપનગર,અશોકવાટિકા)