ભેજાબાજો દ્વારા ડભોઇના ભાજપ ધારાસભ્યનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું
image : Twitter/Freepik
વડોદરા,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર
વડોદરા જિલ્લાના ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાનું ત્રીજી વખત નકલી ફેસબુક એકાઉન્ટ કોઈ ભેજાબાજે બનાવી છેતરપિંડીનો પ્રયાસ થાય તે અગાઉ ડભોઇના ધારાસભ્યને જાણ થતાં તાત્કાલિક અસરથી તેમના ટેકેદારોને હકીકતની જાણ કરી હતી. સાથે સાથે સાયબર ક્રાઇમ અને પોલીસ કમિશનને પણ જાણ કરી છે.
વડોદરા શહેરના જાણીતા ભાજપના અને કોંગ્રેસના કેટલાક આગેવાનોના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી કેટલાક ભેજાબાજો દ્વારા છેતરપિંડી કરી હોવાના કિસ્સાઓ બન્યા છે. તાજેતરમાં પણ ભાજપના એક મહિલા કોર્પોરેટરનું ફેક એકાઉન્ટ બનાવી ઠગાઈનો પ્રયાસ થયો હતો એ જ રીતે આજે ડભોઇના ધારાસભ્યના નામથી નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી છેતરપિંડીનો પ્રયાસ થાય તે અગાઉ જ ડભોઇના ધારાસભ્યના ટેકેદારોએ તેમનું ધ્યાન દોર્યું હતું કે તમારા ફેસબુક એકાઉન્ટમાં સ્પેલિંગમાં ભૂલ છે જેથી આ નકલી ફેસબુક એકાઉન્ટ હોય તેમ લાગી રહ્યું છે. જે અંગે ડભોઇના ધારાસભ્ય એ તેમના તમામ મિત્ર મંડળમાં બોગસ facebook એકાઉન્ટ થયું છે તેની જાણકારી આપી હતી.
આ અંગે ડભોઇના ધારાસભ્ય એ પોલીસ કમિશનર અને સાઈટબર ક્રાઇમમાં પણ જાણ કરી છે અને આવા તત્વોને ઝડપી પાડવા માંગણી કરી છે.