વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી ઝડપભેર વધતા પૂરનું સંકટ ઘેરાયું
પૂરની આપદામાંથી માંડ બેઠા થઇ રહેલા લોકો ફરીવાર માથે ઝળુંબતા પૂર સંકટથી ભયભીત
વડોદરા,વડોદરામાં શનિવારની રાતથીજ વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં પૂરનો ખતરો ઉભો થયો હતો. રવિવારે બપોરે કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા બે કલાકમાં તો જળબંબાકાર સ્થિતિ શહેરમાં સર્જી દીધી હતી. વિશ્વામિત્રી નદીનું જળસ્તર બપોરે જ એક ફૂટ વધ્યું હતું, તેમાં ધરખમ વધારો થવાની શરુઆત થતાંજ વડોદરામાં ફરી પૂરસંકટ તોળાઇ રહ્યું છે.
બીજી બાજુ આજવા સરોવરમાં પણ લેવલ ખૂબ ઝડપથી વધે છે. આજવાનું હાલ રૃલ લેવલ ૨૧૩ ફૂટ છે, સાંજે આજવાની સપાટી ૨૧૨.૮૫ ફૂટ હતી.
હજી એક મહિના પહેલાંજ વિનાશક પૂરની આપદામાં ફસાયેલા લોકો માંડ બેઠા થઇ રહ્યા છે, ત્યાં ફરીવાર માથે ઝળુંબતા પૂરસંકટથી ભયભીત બની ગયા છે.
વડોદરામાં કોર્પોરેશનના સીસીટીવી કમાન્ડ સેન્ટર ખાતે કમિશનરના અધ્યક્ષસ્થાને તાકિદની બેઠક યોજાઇ હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ અને સ્થાયી સમિતિના અધ્યક્ષે પૂરનું સંકટ કઇ રીતે ટળે તેની ચર્ચા કરી હતી.
પાણીની આવક પ્રતાપપુરા અને આજવાથી કંટ્રોલ થઇ રહ્યું છે, પરંતુ વિશ્વામિત્રીના ઉપરવાસ અને આજુબાજુના વિસ્તારોમાં પણ જે ભારે વરસાદ પડયો છે. તેના પાણીની આવક ચાલુ રહી છે અને તે કંટ્રોલ થઇ શકતું નથી.
જેથી નદીની સપાટીમાં અડધો કલાકે ત્રણ ચાર ઇંચ પાણી વધી રહ્યું છે. હવે જો વરસાદ બંધ રહે તો સ્થિતિ નિયંત્રણમાં રહી શકે. જો કે આ વખતે વડોદરાની આસપાસમાં બહુ ભારે વરસાદ નથી.
વિશ્વામિત્રીની સપાટી ૨૦ ફૂટથી વધવાની શરુઆત થતાં કાંઠાના નીચાણવાળા વિસ્તારો પરશુરામ ભઠ્ઠો, વડસર, ઇન્દિરાનગર, જલારામનગર, સયાજીગંજ વગેરે વિસ્તારોમાં પાણી પ્રવેશવા શરુ થયા હતા જેથી તેઓને સતર્ક કરાયા. એક તબક્કે તો અલકાપુરી ગરનાળુ પણ બંધ કરી દેવું પડયું હતું, પરંતુ વરસાદ થંભી જતા અને પાણી ઉતરતા ગરનાળામાં વાહન વ્યવહાર પુનઃ શરુ કર્યો હતો.