વડોદરામાં શિક્ષણ સમિતિ દ્વારા ત્રણ દિવસ માટે સયાજી બાગમાં બાળમેળાનું આયોજન
વડોદરા,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજિત 51મો બાળમેળોનું ઉદ્ઘાટન તા.25 જાન્યુઆરીના રોજ સાંજે 4 કલાકે સયાજીબાગ (કમાટીબાગ) એક્વેરિયમ પાસેના મેદાનમાં થશે. બાળમેળો તારીખ 26, 27, 28 જાન્યુઆરી જાહેર જનતા માટે સવારે 8 થી રાત્રિના 8 સુધી ખુલ્લું રહેશે. આ અંગેની વિગત આપતા શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશ પંડ્યા ઉપાધ્યક્ષ હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ૭૧માં વર્ષમાં સમિતિ પ્રવેશ કરી રહી છે. 1953ના વર્ષમાં બાળમેળાની શરૂઆત કરવામાં આવી. બાળમેળાનું સમગ્ર સંચાલન લોકશાહી ઢબે બાળકો થકી, બાળકો વડે, બાળકો માટે, બાળકો દ્વારા યોજાતો બાળમેળો સમગ્ર ભારતભરમાં સૌપ્રથમ છે. બાળકો દ્વારા સંચાલિત બાળમેળો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું વિશિષ્ટ નજરાણું છે. બાળમેળો એ સર્જનની પાંખે ચડીને કરાતી આનંદ યાત્રા છે. ગિજુભાઈ બધેકાના સ્વપનોને સાકાર કરવા તથા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે બાળમેળાનું આયોજન શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કરવામાં આવે છે. સંસ્કારી નગરી વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે બાળકો માટે 'સયાજી બાગ' અર્પણ કર્યો હતો ત્યારથી સયાજીબાગ (કમાટીબાગ) ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિ-દિવસીય બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. તેથી જ તેનું નામાભિધાન ‘સયાજી કાર્નિવલ" કરવામાં આવેલ છે.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે બાળમેળામાં નવિન અને આધુનિક શૈક્ષણિક પ્રોજેક્ટો, શુદ્ધ અને સાત્વિક નાસ્તો, સાંસ્કૃતિક કાર્યક્રમો, મનોરંજન વિભાગ, કલા વિભાગ તથા આ વર્ષથી શરુ થનાર બાળ મેળાનું નવીન નઝરાણું - નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે, મહાનુભાવો સાથે ટોક શો, અંતાક્ષરી, KBC (કૌન બનેગા કરોડપતિ) અને ટેલેન્ટ હન્ટ" જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આજના સમય માં યુવાનોથી માંડીને તમામ ઉંમરના લોકોમાં હ્રદય રોગનું પ્રમાણ વધવા લાગ્યું છે, આ પરિસ્થિતિ માં કેવી રીતે વ્યક્તિને બચાવવા તે માટે જાગૃતતા ફેલાવવા માટે "CPR- a lifeline" જેવો એક અતિ અગત્યનો પ્રોજેક્ટ આ બાળમેળા માં નિદર્શિત થનાર છે. આ સિવાય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે અભ્યાસક્રમ માં આવેલ બદલાવ ને રજુ કરતો પ્રોજેક્ટ *શિક્ષણમાં શ્રીમદ્ ભગવદગીતા' અને ભાર દેશના અંતરીક્ષ કાર્યક્રમનું એક અગત્યનું મિશન ‘આદિત્ય 11 સેટેલાઈટ' નામક પ્રોજેક્ટ મુકવામાં આવનાર છે.
આ બાળમેળાના કાર્યક્રમ નું સમગ્ર સંચાલન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ શાળાના બાળકો દ્વારા કરવામાં આવે છે. જેમાં બાળ પ્રમુખ તરીકે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી કુમાર શાળાનો વિદ્યાર્થી પ્રજાપતિ વાસુ કરશનભાઈ, બાળ ઉદઘાટક તરીકે પૂજ્ય રવિશંકર મહારાજ પ્રા શાળાનો વિદ્યાર્થી સુથાર સવાઈરામ માંગારામ તથા કવિ દુલાકાગ અંગ્રેજી પ્રા શાળાની વિદ્યાર્થીની મિશ્રા દિપાંજલી દેવેન્દ્ર, બાળ સ્વાગતાધ્યક્ષ તરીકે લાલ બહાદુર પ્રા શાળા નો વિદ્યાર્થી શેખ નૌશીન ઇકબાલભાઈ, બાળ ઉંદઘોષક તરીકે કવિ દુલાકાગ પ્રા શાળાની વિદ્યાર્થીની પટેલ માહી મુકેશભાઈ તથા માં સરસ્વતી પ્રા શાળાની વિદ્યાર્થીની પરમાર કનિષ્કા મહેશભાઈ, બાળ શપથવાચક તરીકે કુબેરેશ્વર પ્રા શાળાનો વિદ્યાર્થી ગુપ્તા રુદ્ર રવીન્દ્રભાઈ, બાળ આભારદર્શક તરીકે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હિન્દી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની વિશ્વકર્મા સ્વીટી રણજીતભાઈ, બાળ સંદેશાવાચક તરીકે સર સયાજીરાવ ગાયકવાડ હિન્દી પ્રા. શાળાની વિદ્યાર્થીની રાજપૂત અવની સંજયસિંઘ અને ભારતીય સંસ્કૃતિદર્શક તરીકે કવિ સુંદરમ પ્રા શાળાની વિદ્યાર્થીની પઠાણ સફિયા સાહીદ દ્વારા આ સમગ્ર સંચાલન થનાર છે.