વડોદરા: વહીવટી કાર્ય પદ્ધતિને પેપરલેસ બનાવવા "ઈ સરકાર" એપ્લિકેશન
- લોક પ્રતિનિધિઓના પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ કરવા ઇન્ચાર્જ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટની સુચના
વડોદરા,તા.17 ડિસેમ્બર 2022,શનિવાર
વડોદરા કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે કાર્યકારી કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં વડોદરા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.
કલેક્ટરએ લોકપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ તાત્કાલિક અને કાયમી ધોરણે નિરાકરણ લાવવા તેમજ અમલીકરણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. પરસ્પર સંકલન અને વ્યવહારુ અભિગમ અપનાવી નિયમોની મર્યાદામાં અને નિયત સમયમાં પ્રજાના પ્રશ્નો ઉકેલવા કલેક્ટરએ સંકલનના અધિકારીઓને કેટલાક રચનાત્મક સૂચનો પણ કર્યા હતા.
આ બેઠકમાં કરજણ ધારાસભ્યએ કરજણમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાનો તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા સંબંધિત લોકોના પ્રશ્નો રજૂ કર્યા હતા. પાદરાના ધારાસભ્યએ નગરપાલિકાની બિલ્ડિંગ માટે જમીનની ફાળવણીને ઝડપથી મંજૂર કરવા અનુરોધ કર્યો હતો. પ્રજાલક્ષી આ તમામ મુદ્દાઓને તાત્કાલિક નિયમોનુસાર ઝડપથી ઉકેલવા કલેક્ટરએ અધિકારીઓને જણાવ્યું હતું.
કલેક્ટરએ લોકપ્રતિનિધિઓના પ્રશ્નોનું ફોલોઅપ નિયમિતપણે લેવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસકાર્યો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.
આ બેઠકના અંતે ઉપસ્થિત સંકલનના અધિકારીઓને ‘ઈ-સરકાર’ એપ્લિકેશન વિશે માહિતી સહ તાલીમ આપવામાં આવી હતી. મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા તથા રાજ્યમાં ઝડપી અને સરળ વહીવટની નેમ સાથે ગુજરાતની હાલની વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા ‘ઈ-સરકાર’ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. સરકારના વહીવટી કાર્યને સંપૂર્ણ પેપરલેસ કરવા તેમજ સરકારી કચેરીઓમાં સુગમતા જાળવવા માટે આગામી તા.૨૫ ડિસેમ્બર એટલે કે સુશાસન દિવસથી રાજ્યમાં આ એપ્લિકેશનનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે.