ઓનલાઇન ઠગોનો વડોદરાના ડોક્ટરને કોલ,મુંબઇ હાઇકોર્ટનું સમન્સ છે,બે કલાકમાં ક્રાઇમ બ્રાન્ચ તમારે બારણે હશે
ડોક્ટરે વારંવાર કેસ બાબતે પૂછતાં ઠગોએ 9 નંબર પ્રેસ કરવાનો આગ્રહ રાખ્યો અને સમજી ગયેલા ડોક્ટરે ફોન કટ કર્યો
વડોદરાઃ ઓનલાઇન ઠગો દ્વારા હવે ડિજિટલ એરેસ્ટના નામે મોટેપાયે ઠગાઇ કરવામાં આવી રહી હોવાના કિસ્સા બની રહ્યા છે.સાયબર સેલ દ્વારા આવી કોઇ જ કાર્યવાહી હોતી નથી તેમ કહી એલર્ટ રહેવા કહેવાયું છે.
દિલ્હીમાં બે દિવસ પહેલાં પાર્સલના નામે દમદાટી આપી ડિજિટલ એરેસ્ટના નામે વૃધ્ધ એન્જિનિયર પાસેથી રૃ.૧૦ કરોડ ટ્રાન્સફર કરાવી લેવાનો કિસ્સો બન્યો છે. વડોદરામાં પણ આ પ્રકારના કિસ્સાઓ બન્યા છે.જેની ફરિયાદો પણ નોંધાઇ છે.
ઓનલાઇન ઠગો દ્વારા હજી પણ આ પ્રકારનો કોલ્સ લોકોને મળી રહ્યા છે.હરણી- સમા લિન્ક રોડ પર રહેતા ડો.કમલ વૈધને પણ આવી જ રીતે ગઇકાલે ઠગોનો કોલ આવ્યો હતો.જેમાં ઠગે અંગ્રેજીમાં વાતની શરૃઆત કરી હતી.
ઠગોએ મુંબઇ હાઇકોર્ટનું સમન્સ છે, તમને એરેસ્ટ કરવામાં આવશે.તમારા મોબાઇલ પર સમન્સ જોવું હોય તો ૯ નંબર દબાવો.જેથી ડોક્ટરે મુંબઇમાં મારો કોઇ કેસ થયો નથી તેમ કહી પૂછપરછ કરી હતી.ઠગોએ તેમને ડરાવવા માટે કહ્યું હતું કે,અમે અહિંથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સમન્સ મોકલી આપીશું એટલે બે કલાકમાં પોલીસ તમારા ક્લિનિક પર હશે.તમારે શું કરવું છે તે નક્કી કરી લો.
એક તબક્કે ડોક્ટરે ક્યો કેસ હશે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તેમણે નંબર ડાયલ કર્યો નહતો.સામે પક્ષે ઠગો દ્વારા સમન્સની વિગતો આપવાનો ઇનકાર કરી નંબર ડાયલ કરવાનો આગ્રહ રખાતાં તેઓ ચોંક્યા હતા અને વડોદરા પોલીસને મોકલી આપો તેમ કહી કોલ કટ કરી દીધો હતો.