વડોદરા જિલ્લા પંચાયતમાં મહિલાઓનો દબદબોઃ8 સમિતિઓમાં 4 સમિતિ મહિલાઓને ફાળે

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
વડોદરા જિલ્લા પંચાયતમાં મહિલાઓનો દબદબોઃ8 સમિતિઓમાં 4 સમિતિ મહિલાઓને ફાળે 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતમાં આજે સમિતિઓની રચના કરવામાં આવી ત્યારે ૩૩ ટકા નહિં પણ ૫૦ ટકા અધ્યક્ષપદ મહિલાઓને ફાળે આવતાં પંચાયતના વહીવટમાં મહિલાઓનો દબદબો જળવાયો છે.જ્યારે પાદરા તાલુકાને પ્રતિનિધિત્વ નહિં મળતાં સભ્યો નારાજ થયા હતા.

વડોદરા જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની  બીજી ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણી થયા બાદ વહીવટીકામો માટે અઢી વર્ષની બીજી ટર્મ માટે જુદીજુદી આઠ સમિતિઓની આજે રચના કરવામાં આવી હતી.જે પહેલાં પ્રમુખના બંગલે ભાજપના જિલ્લા પ્રમુખ અને સંગઠનના અન્ય હોદ્દેદારોએ ચૂંટાયેલા સભ્યો સાથે મીટિંગ કરી પ્રદેશ મોવડીઓની સૂચનાઓની જાણ કરી હતી.

બપોરે જિલ્લા પંચાયતના સભાગૃહમાં પ્રમુખના અધ્યક્ષપદે ખાસ મીટિંગ યોજાઇ ત્યારે આઠ સમિતિઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આઠ સમિતિઓમાંથી ચાર સમિતિઓનું સુકાન મહિલાઓને ફાળે આવતાં પંચાયતના વહીવટમાં મહિલાઓનો દબદબો દેખાયો છે.આ ચાર સમિતિમાં બાંધકામ,અપીલ, સિંચાઇ અને મહિલા-બાળ વિકાસ સમિતિનો સમાવેશ થાય છે.

અઢી વર્ષની પહેલી ટર્મમાં જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ પુરૃષ પાસે હતું અને આઠ સમિતિઓમાંથી છ સમિતિઓ પુરૃષો પાસે હતી.પરંતુ વડાપ્રધાને મહિલા અનામતનું બિલ પાસ કર્યા બાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ  પદ ઉપરાંત આઠ સમિતિઓમાંથી ચાર સમિતિઓમાં અધ્યક્ષપદે મહિલાઓના નામની જાહેરાત કરવામાં આવી છે.

ભાજપના ચેરમેનના નામોનું પેપર ફૂટી ગયું,સભાના સચિવ ડીડીઓ કે ઉપપ્રમુખે પણ ભૂલ ના સુધારી

વડોદરા જિલ્લા પંચાયતના નવા મહિલા પ્રમુખની આજે પહેલી મીટિંગ હતી અને તેમાં તેમણે સમિતિઓની રચનાની સાથે સાથે ચેરમેનના નામો જાહેર કરતાં વિવાદ સર્જાયો હતો.

જો કે,જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડા માટે આ પહેલી સભા હતી.જેથી તેમને સભા સંચાલનનો કોઇ અનુભવ ના હોય તે સ્વાભાવિક છે.પરંતુ તેમની સાથે સભાના સચિવ તરીકે ડીડીઓ મમતા હીરપરા અને ઉપપ્રમુખ તરીકે અશ્વિન વકીલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.

આમ છતાં પ્રમુખે સમિતિઓના સદસ્યોના નામ જાહેર કરવાની સાથે સાથે ચેરમેનના નામ પણ જાહેર કરી દેતાં નિયમ વિરૃધ્ધ થયેલી કાર્યપધ્ધતિ અંગે કોઇએ પ્રમુખનું ધ્યાન દોર્યું નહતું.પરિણામે  સમિતિઓની મીટિંગમાં ચેરમેનનું નામ નક્કી કરવાની પ્રક્રિયા પહેલાં જ ભાજપના ચેરમેનના નામોનું પેપર ફૂટી ગયું હતું.

ડેસર તાલુકા પંચાયતમાં ક્રોસ વોટિંગ કરનાર પાંચ કોંગી સભ્યો સસ્પેન્ડ

વડોદરા જિલ્લાની ડેસર તાલુકા પંચાયતમાં ગઇ તા.૧૩મીએ પ્રમુખ -ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી.જેમાં કોંગ્રેસના પાંચ સભ્યોએ સાવલીના ધારાસભ્યની મધ્યસ્થીને કારણે ભાજપને ટેકો આપ્યો હતો.કોંગ્રેસે તેની નોંધ લઇ મેન્ડેટની વિરૃધ્ધ મતદાન કરનાર પાંચેય સભ્યોને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.આ સભ્યોમાં કૈલાસબેન રાઠોડ,નિતેષ પટેલ,મણીબેન પરમાર,મણીભાઇ જાદવ અને આરતીબેન પટેલનો સમાવેશ થાય છે.

જિ.પંચાયતની સમિતિઓના ક્યા દાવેદારો કપાયા

વડોદરા જિ.પંચાયતની આઠ સમિતિ ઓના ચેરમેન પદ માટે નો રિપીટ અને માઇનસ બુથ અને અન્ય કારણોસર મજબૂત દાવેદારો કપાયા છે.જેના નામો આ મુજબ છે.

- રાજેન્દ્ર  પટેલ,પૂર્વ કારોબારી ચેરમેન  - કમલેશ પટેલ,પૂર્વ ચેરમેન  બાંધકામ

- સુધાબેન પરમાર,જિ.પં.પૂર્વ પ્રમુખ - કાન્તાબેન પરમાર,પાદરા તા.પં.પૂર્વ પ્રમુખ - રામાભાઇ રાઠોડ,પૂર્વ ચેરમેન, સામાજિક ન્યાય 


Google NewsGoogle News