વડોદરા જિ. પંચાયતની સ્કૂલોમાં ભણતી કન્યાઓ માટેની સાઇકલોની હરાજી ના થઇ શકી,વેપારીઓ પાછા ફર્યા

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
વડોદરા જિ. પંચાયતની સ્કૂલોમાં ભણતી  કન્યાઓ માટેની સાઇકલોની હરાજી ના થઇ શકી,વેપારીઓ પાછા ફર્યા 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની સ્કૂલોમાં કન્યાઓ માટે સરકારે ફાળવેલી સાઇકલોનું વિતરણ નહિ થતાં ભંગાર થઇ ગયેલી સાઇકલોના મુદ્દે ઊહાપોહ થતાં આજે સાઇકલોની હરાજી થઇ શકી નહતી.

રાજ્ય સરકારે કન્યા કેળવણી અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોની સ્કૂલોમાં અભ્યાસ કરતી કન્યાઓને સાઇકલો ફાળવી હતી.જે દરમિયાન વડોદરા જિલ્લામાં વર્ષ-૨૦૧૫માં કેટલીક સ્કૂલોમાં સાઇકલોનું વિતરણ નહિ થતાં પડી રહી હતી.

હવે આ સાઇકલો સાવ ભંગાર થઇ ગઇ છે જેથી જિલ્લા પંચાયતે આ સાઇકલોની  હરાજી કરી રોકડી કરી લેવાની તજવીજ કરી હતી.૯૫૫ સાઇકલો માટે આજે જિલ્લા પંચાયત દ્વારા છાણીના  બીઆરસી ભવન ખાતે હરાજી યોજાઇ હતી.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રૃ.૪ થી ૫ હજારની સાઇકલની કિંમત રૃ.૯૦૦ રાખવામાં આવી હતી.જિલ્લા પંચાયતના વિરોધ પક્ષે આ મુદ્દે ભારે વિરોધ કર્યો હતો અને જવાબદારો સામે પગલાં લેવા માંગણી કરી હતી.

દરમિયાનમાં આજે હરાજીના સ્થળે વેપારીઓ આવ્યા હતા.પરંતુ સાઇકલો સ્થળ પર નહિં હોવાથી અને તેમને ભાવ વધુ લાગતાં હરાજીમાં ભાગ લીધા વગર પરત ફર્યા હતા.

પ્રાથમિક શિક્ષણાધિકારી કહે છે,હરાજી તો થઇ પણ કોઇ ખરીદનાર ના મળ્યો

વડોદરા જિલ્લા પંચાયતની સ્કૂલોમાં પડી રહેલી કન્યાઓ માટેની સાઇકલોની હરાજીમાં કોઇ ખરીદનાર નહિ મળતાં હવે ફરીથી સાઇકલની અપસેટ વેલ્યુ નક્કી કરી હરાજી કરવામાં આવશે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ આર પાંડેએ કહ્યું હતું કે,આજે હરાજી રાખવામાં આવી હતી.જેમાં પાંચ વેપારી હાજર રહ્યા હતા.અમે સાઇકલની અપસેટ વેલ્યુ રૃ.૯૦૦ રાખી હતી.પરંતુ કોઇ ખરીદનાર નહિ મળતાં હવે ફરીથી અપસેટ વેલ્યુ નક્કી કરી હરાજી કરવામાં આવશે.

હરાજીમાં હાજર રહેલા વેપારીઓના કહેવા મુજબ,સાઇકલની અપસેટ વેલ્યુ વધુ છે.બીજા જિલ્લાઓમાં રૃ.૪૦૦ સુધીના ભાવમાં હરાજી થઇ છે.જેને કારણે અમે ભાગ લીધો નથી.

જિ.પંચાયતની 47 મિલકતો પીપીપી ધોરણે ડેવલપ કરવાના મનસૂબા પર બ્રેક

વડોદરા જિલ્લા પંચાયતની ૪૭ મિલકતો પીપીપી ધોરણે ડેવલપ કરવા માટે ગોઠવાયેલા તખ્તા પર હાલ પુરતી બ્રેક વાગી છે.

વડોદરા જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ અને સત્તાધારી પક્ષે ૪૭ જેટલી મિલકતોનું તારણ કરાઢી પીપીપી ધોરણે ડેવલપ કરવા માટે તખ્તો ગોઠવ્યો હતો.જેની વિચારણા માટે જનરલ બોર્ડની મીટિંગમાં મુદ્દો રજૂ કરાયો હતો.

પરંતુ વિરોધ પક્ષે આ મુદ્દે વાંધો લીધો હતો અને પીપીપી ને કારણે જ હરણી બોટકાંડ સર્જાયો હોવાનો દાખલો આપ્યો હતો.તેમણે તમામ મિલકતોને ફેન્સિંગ કેમ કરાતી નથી તેવો પણ સવાલ બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરને પૂછ્યો હતો.જેને કારણે આ મુદ્દે હાલપુરતી  બ્રેક વાગી છે.


Google NewsGoogle News