ઉત્તરવહી બદલાઈ જવાની ઘટનામાં ડીઈઓ દ્વારા આજે કોર્પોરેશનને અહેવાલ સુપરત કરાશે
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ૧૬૨ જેટલી ખાલી જગ્યાઓ માટે રવિવારે લેવાયેલી પરીક્ષામાં સેવાસની નાંલદા ઈન્ટરનેશનલ સ્કૂલના યુનિટ-૨માં ઓએમઆર શીટ બદલાઈ ગઈ હોવાના આક્ષેપો કરીને ૧૫૮ ઉમેદવારોએ પરીક્ષા આપી નહોતી.
આ મામલાની તપાસ હવે કોર્પોરેશન દ્વારા ડીઈઓ કચેરીને સોંપી દેવામાં આવી છે.જોકે આ મામલામાં કેન્દ્ર સંચાલકનુ નિવેદન પહેલા જ લેવાઈ ગયુ હોવાથી ડીઈઓ કચેરી દ્વારા કોર્પોરેશનને એકાદ દિવસમાં અને સંભવતઃ આવતીકાલે જ અહેવાલ સુપરત કરી દેવામાં આવે તેવી શક્યતા છે.
ડીઈઓ રાકેશ વ્યાસે જણાવ્યુ હતુ કે, એક ઉમેદવારે ઉત્તરવહી બદલાઈ ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેને સમજવાવામાં આવ્યો હતો કે,ઓએમઆર શીટ અને બેઠક નબર મેચ થવો જોઈએ તે જરુરી નથી.આમ છતા ઉમેદવાર માનવા માટે તૈયાર નહોતો અને બીજા કેટલાક ઉમેદવારોએ પણ આ જ મુદ્દે પરીક્ષા આપવાનો ઈનકાર કર્યો હતો.ઉમેદવારોને તો વધારાનો સમય આપવાની પણ તૈયારી બતાવવામાં આવી હતી.જોકે તેઓ પરીક્ષા આપવા માટે તૈયાર જ નહોતા.
તેમણે કહ્યુ હતુ કે, આ મુદ્દે કેન્દ્ર સંચાલકનુ નિવેદન લેવાઈ ગયુ છે અને બહુ ઓછી તપાસ બાકી રહી છે.આ જોતા આવતીકાલે ડીઈઓ કચેરી દ્વારા સમગ્ર મામલાનો અહેવાલ કોર્પોરેશનને સુપરત કરી દેવામાં આવશે.
ડીઈઓ કચેરીના અહેવાલમાં કોઈને દોષી ઠેરવવામાં આવે છે કે પછી ક્લીન ચીટ આપવામાં આવે છે તે જોવાનુ રહે છે.ઉલ્લેખનીય છે કે, ૧૬૨ જગ્યાઓ માટે કુલ ૩૬૫૨૩ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા હતા.આ પૈકી ૧૫૮ ઉમેદવારો ઉત્તરવહી બદલાઈ ગયા બાદ ફરી પરીક્ષા આપવા બેઠા નહોતા.