હરણીના લેક ઝોન બોટ હોનારત: ન્યૂ સનરાઈઝ સ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ
વડોદરાઃ હરણીના લેક ઝોન ખાતે સર્જાયેલી બોટ હોનારતમાં ૧૨ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા બાદ વાઘોડિયા રોડ પરની ન્યૂ સનરાઈઝ સ્કૂલની માન્યતા રદ કરવાની ભલામણ ડીઈઓ કચેરીએ કરતા શૈક્ષણિક આલમમાં ખળભળાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો પ્રમાણે તા.૧૮ જાન્યુઆરીએ ન્યૂ સનરાઈઝ સ્કૂલના ૮૨ જેટલા વિદ્યાર્થીઓને પિકનિક માટે લેક ઝોન ખાતે લઈ જવાયા હતા અને બોટમાં વધારે પડતા વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા બાદ બોટ પલટી ખાઈ ગઈ હતી.બોટમાં બેઠેલા કેટલાક વિદ્યાર્થીઓને તો લાઈફ જેકેટ પણ પહેરાવવામાં આવ્યા નહોતા.આ મામલામાં ડીઈઓ કચેરીએ શરુ કરેલી તપાસમાં સ્કૂલ સંચાલકોએ પ્રવાસ માટે પરવાનગી નહીં લીધી હોવાની વિગતો સપાટી પર આવી હતી.
ડીઈઓ કચેરીએ હવે લગભગ પંદર દિવસની તપાસ બાદ આ અંગેનો અહેવાલ પ્રાથમિક શિક્ષણ નિયામકને સુપરત કર્યો છે.સાથે સાથે આ અહેવાલ કલેકટર કચેરીને પણ મોકલી આપવામાં આવ્યો છે.કચેરીના સૂત્રોનુ કહેવુ છે કે, સ્કૂલે સરકારના નિયમોનો ભંગ કર્યો છે અને તે બદલ સ્કૂલની માન્યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી છે.સાથે સાથે સ્કૂલને ૧૦૦૦૦ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.પ્રવાસમાં ગયેલા જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટે પણ શાળા સંચાલકોને હુકમ કરવામાં આવ્યો છે.
ડીઈઓ કચેરીના સૂત્રોએ કહ્યુ હતુ કે, આ અહેવાલ સુપરત કર્યા બાદ પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.