ડીઈઓ કચેરીની ટીમો સ્કૂલોમાં ફાયર સેફટીની ચકાસણી કરશે
વડોદરાઃ રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ વડોદરા સહિત રાજ્યના તમામ શહેરોમાં ફાયર સેફટીને લઈને ઝૂંબેશ શરુ કરવામાં આવી છે.જેના ભાગરુપે ફાયર વિભાગ દ્વારા સ્કૂલોનુ પણ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.બીજી તરફ સરકારના શિક્ષણ વિભાગે પણ તમામ ડીઈઓને સ્કૂલોમાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કરવા માટે તાકીદ કરી છે.
જેના ભાગરુપે હવે વડોદરા ડીઈઓ કચેરી દ્વારા પણ પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો બનાવીને વડોદરા શહેર અને જિલ્લાની સ્કૂલોમાં ફાયર સેફટીનુ ચેકિંગ કરવામાં આવશે.ડીઈઓ રાકેશ વ્યાસે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, સરકારના આદેશ અનુસાર તમામ સ્કૂલો પાસે ફાયર એનઓસી છે કે નહીં તેની જાણકારી મેળવવામાં આવશે.નવ મીટરથી ઓછી ઉંચાઈવાળી બિલ્ડિંગમાં ચાલતી સ્કૂલોને ફાયર એનઓસીની જરુર નથી હોતી પણ આ સ્કૂલોમાં ફાયર સેફટીના ધારાધોરણોનુ પાલન થયુ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે.ફાયર સેફટી માટેના સાધનોની એક્સપાયરી ડેટ પણ જોવામાં આવશે.
તેમણે કહ્યુ હતુ કે, વહેલી તકે આ કામગીરી પૂરી કરીને રાજ્ય સરકારને શૈક્ષણિક સત્ર શરુ થાય તે પહેલા રિપોર્ટ મોકલવામાં આવશે.
બીજી તરફ શાળા સંચાલક મંડળના સૂત્રોએ કહ્યુ હતુ કે, દોઢેક વર્ષ પહેલા હાઈકોર્ટના આદેશના પગલે સ્કૂલોએ ફાયર એનઓસી મેળવવા માટે કાર્યવાહી કરી હતી અને તેના ભાગરુપે મોટાભાગની સ્કૂલો ફાયર એનઓસી મેળવી ચૂકી છે.આમ છતા સ્કૂલ સંચાલકોને ફાયર સેફટીના સાધનો યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવા માટે પણ કહેવામાં આવ્યુ છે.