સામૂહિક ચોરી પ્રકરણઃ આનંદી ગામની સ્કૂલના 10 કર્મચારીઓને ડીઈઓ કચેરીનું તેડુ
વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષા દરમિયાન વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી એલ પટેલ શારદા વિનય મંદિર સ્કૂલમાં થયેલી સામૂહિક ચોરીના પ્રકરણમાં ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલમાં પરીક્ષા ટાણે ફરજ બજાવનારા વધુ ૧૦ કર્મચારીઓને તેડુ મોકલવામાં આવ્યુ છે.
આ મામલામાં ડીઈઓ રાકેશ વ્યાસે કહ્યુ હતુ કે, સામૂહિક ચોરી પ્રકરણની તપાસ ચાલી રહી છે.ડીઈઓ કચેરી દ્વારા આઠ કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા છે અને બીજા ૧૦ જેટલા કર્મચારીઓને સોમવારે ડીઈઓ કચેરીમાં નિવેદન આપવા માટે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.તેમના નિવેદન સોમવારે નોંધવામાં આવશે.એ પછી જરુર હશે તે પ્રમાણે બીજા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને આગામી સપ્તાહ સુધીમાં બોર્ડને ફાઈનલ રિપોર્ટ સુપરત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં કેન્દ્ર સંચાલક તરીકે ફરજ બજાવતા સ્કૂલના આચાર્ય વાસુદેવ પટેલને પહેલા જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.વાસુદેવ પટેલે સસ્પેન્શનના પગલે ઝેરી દવા પીને આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો.ડીઈઓ કચેરીની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો સપાટી પર આવી છે કે, સામૂહિક ચોરી કરાવવામાં ચાર બીજા કર્મચારીઓ પણ સામેલ હતા.જોકે તેમની સામે હજી સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.બોર્ડ પરીક્ષા દરમિયાન સ્કૂલના તમામ બ્લોકમાં ચોરી કરાવવામાં આવી રહી હતી તેવુ પણ પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યુ હતુ.જેના કારણે અહીંંથી પરીક્ષા આપી રહેલા સેંકડો વિદ્યાર્થીઓના પરિણામ પણ બોર્ડ અટકાવી દેશે તેવી શક્યતાઓ છે.