વડોદરા: છેલ્લા બે વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ઘટાડો જોવા મળ્યો
મચ્છરોનો ત્રાસ હજી વકરેલો છે એટલે સાવધાની રાખવી જરૂરી
વડોદરા, તા. 05 ડિસેમ્બર 2023 મંગળવાર
વડોદરા શહેરમાં છેલ્લા બે વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. વેક્ટર બોર્ન ડીસીસ તરીકે ઓળખાતા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ના કેસો લોકોમાં ગંભીર ચિંતાના વિષયો બની રહ્યા છે, પરંતુ છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે દસમા ભાગના કેસ જોવા મળ્યા છે .વડોદરા કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી સુધી પૂરા પાડવામાં આવેલા આંકડા અનુસાર આ ચિત્ર ઊભું થયું છે .ડોક્ટરોના કહેવા મુજબ હાલ દવાખાનાઓમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના છૂટાછવાયા કેસ જોવા મળી રહ્યા છે. જોકે આ વર્ષે શ્વસન તંત્ર માં ઇન્ફેક્શન ની બીમારી પ્રમાણમાં વધુ જોવા મળી છે. મેલેરિયા છેલ્લા ઘણા વર્ષોથી ઓછો જોવા મળી રહ્યો છે. અને એવું જ હવે કોર્પોરેશનએ પૂરા પાડેલા છેલ્લા બે વર્ષના આંકડા જોતા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ માટે કહી શકાય તેમ છે .સાવચેતીના જે પગલાં લેવામાં આવી રહ્યા છે તેના કારણે પણ કેસોમાં ઘટાડો થઈ શક્યો છે. આમ છતાં નિષ્ણાતોના કહેવા મુજબ મચ્છરોનો ઉપદ્રવ હજી છે, અને ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુ ફરી માથું ઊંચકી શકે. વરસાદની બદલાયેલી પેટર્ન, પર્યાવરણને અસર કરતા પરિબળો અને લોકોમાં પણ આવેલી જાગૃતિના કારણે આ શક્ય બન્યું હોય, પરંતુ મચ્છરો ના ત્રાસ ને જોતા આ વેક્ટર બોર્ન ડીસીસ ફેલાઈ ન શકે તેવું કહી શકાય નહીં. વર્ષ 2021 માં ડેન્ગ્યુના 2420 કેસ અને ચિકનગુનિયાના 1673 કેસ હતા. 2022 માં ડેન્ગ્યુના 1,253 અને ચિકનગુનિયા ના 418 કેસ જોવા મળ્યા હતા, જ્યારે 2023 માં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 772 અને ચિકનગુનિયાના 150 કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા છે. મેલેરિયાના 123 કેસ જોવા મળ્યા છે. આ ઉપરાંત ટાઈફોઈડના અત્યાર સુધીમાં ચાલુ વર્ષે 313 કેસ નોંધાયા છે.